અમદાવાદના બોપલ વિસ્તારમાં 2 રાઉન્ડ ફાયરિંગ, 1નું મોત, ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળી
રાજ્યમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે અમદાવાદમાંથી ફાયરીંગની ઘટના સામે આવી છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં અજાણ્યા વ્યક્તિએ દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. અને આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. કબીર એન્કલેવમાં રહેતા 41 વર્ષીય કલ્પેશ ટુंડિયા નામના યુવકને માથામાં ગોળી વાગતા મોત નિપજ્યું છે.
અમદાવાદના બોપલ વિસ્તારમાં ગતરાત્રિએ ફાયરિંગની ઘટના બની છે. બે રાઉન્ડ ફાયરિંગ થતા કબીર એન્કલેવમાં રહેતા કલ્પેશ ટુંડિયા નામના યુવકના માથાના ભાગે ગોળી વાગતા મોત નિપજ્યું છે. લ્પેશના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળતા બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તેને લઈ સસ્પેન્સ સર્જાયું છે. પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર મોડીરાત્રે બે વ્યક્તિઓ કલ્પેશના નિવાસસ્થાને આવ્યા હતા. આ દરમિયાન કલ્પેશની પત્ની અને દીકરી ઘરમાં નીચે હતા. થોડીવાર બાદ બંનેને ગોળીનો અવાજ આવતા તેઓ દોડીને ઉપર ગયા તો જોયું કે, ગોળી વાગવાના કારણે કલ્પેશ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતો. ત્યારબાદ તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. જોકે, સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું. મૃતકની દીકરીએ કહ્યું હતું કે, ગોળીનો અવાજ આવ્યો ત્યારે પિતા રૂમમાં એકલા હતા.
આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તેને અંગે રહસ્ય ઘેરાયું છે. જે હથિયારમાંથી ફાયરિંગ કરાયું છે તે હથિયાર પણ ઘટનાસ્થળેથી ન મળતા તર્કવિતર્ક સર્જાયા છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ સિવાય CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.