સાઈક્લિગં કરવા નીકળેલા વૃધ્ધ સહિત વધુ 2ના હાર્ટએટેકથી મોત
આસ્થા રેસીડેન્સીમાં વૃધ્ધ અને બજરંગવાડીનાં આધેડને હૃદય રોગનો હુમલો જીવલેણ નીવડયો
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યાં છે ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ બેના મોત નિપજ્યા હતાં. જેમાં આસ્થા રેસીડેન્સીમાં સાયકલીંગ કરવા નીકળેલા વૃધ્ધને અને બજરંગવાડીમાં રહેતા આધેડને હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડ્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ 150 ફુટ રીંગ રોડ પર આસ્થા રેસીડેન્સીમાં રહેતાં શિવલાલ ગોવિંદભાઈ વિરડીયા (ઉ.63) નામના વૃધ્ધ આજે સવારે ઘર પાસે સાયકલીંગ કરતાં હતાં ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે હાર્ટએટેકથી મોત થયાનું જાહેર કરતાં પરિવારમા ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે બીજા બનાવમાં જામનગર રોડ પર બજરંગવાડી શેરી નં.14માં રહેતા મહેશભાઈ જયસુખભાઈ ભટ્ટ (ઉ.44) નામના આધેડ આજે વહેલી સવારે પોતાના ઘરે બેભાન થઈ જતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેમનું મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઈમાં મોટા હોવાનું જાણવા મળ્યું છે. તબીબો દ્વારા હાર્ટએટેક આવી જતાં મોત થયાનું જણાવ્યું હતું.