રાજકોટમાં હાર્ટએટેકથી વધુ 2 મોત
જીવરાજ પાર્કના ખેડૂત પ્રૌઢ અને માયાણીનગર ક્વાર્ટરમાં રહેતા યુવાનને હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડ્યો
રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટ એટેકના બનાવોનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. અનેક લોકોને હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડી રહ્યો છે. ત્યારે શહેરમાં વધુ બે લોકોના હાર્ટ એટેકથી મોત નીપજ્યા હતા. જેમાં જીવરાજ પાર્કમાં રહેતા ખેડૂત પ્રૌઢ અને માયાણીનગર ક્વાર્ટરમાં રહેતા યુવાનના હૃદય ધબકારા ચૂકી જતા બન્નેના મોત નીપજ્યા હતા. આ બનાવથી યુવાન અને પ્રૌઢના પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી. જાણવા મળતી વિગત મુજબ, મવડી વિસ્તારમાં આવેલી સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે જીવરાજ પાર્કમાં આવેલી કસ્તુરી કેટર બ્લિડિંગમાં રહેતા અશ્ર્વીનભાઇ ઠાકરશીભાઇ સીણોજીયા (ઉ.વ.53)નામના પ્રૌઢ આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇ જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા તેમનું હાર્ટ એટેકથી મોત નીપજ્યાનું જાહેર ર્ક્યુ હતું. પ્રાથમિક તપાસમાં મૃતક અશ્ર્વિનભાઇ બે ભાઇ ત્રણ બહેનમાં વચેટ અને ખેતી કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. તેમને સંતાનમાં એક પુત્ર હોય આ બનાવથી એકના એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી.
જ્યારે બીજા બનાવમાં માયાણીનગર આવાસ ક્વાર્ટરમાં રહેતા નિલદીપસિંહ નરેન્દ્રસિંહ પરમાર (ઉ.વ.28)નામના યુવાનને ગત રાત્રે છાતીમાં દુખાવો ઉપડતા બેભાન થઇ જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડતા તેનું મોત નીપજ્યું હતું. મૃતક ચાર ભાઇમાં મોટો અને તેને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. તબીબો દ્વારા હાર્ટ એટેકથી મોત નીપજ્યાનું પ્રાથમિક કારણ આપ્યું હતું.
બીમારી સબબ પ્રૌઢનું મોત
કોઠારીયા રોડ પર હુડકો નજીક આવેલા આંનદનગર ર્ક્વાટરમાં રહેતા યોગેશભાઇ બાબુભાઇ ટાંક (ઉ.વ.52)નામના પ્રૌઢ ગઇકાલે સાંજે પોતાના ઘરે હતા ત્યારે બેભાન થઇ જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેમનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં તેઓ પેરેલીસીની બીમારીથી પીડાતા હોય જેના કારણે તેમનું મોત થયાનું જાણવા મળ્યું છે.