જામકંડોરણાના ચરેલ ગામે પોસ્ટ માસ્તરે 2.94 લાખની ઉચાપત કરી
- પોસ્ટ ઓફિસના ખાતા ધારકોના પૈસા ખાતામાં જમા લઈ હિસાબી ચોપડામાં દેખાડયા નહીં
રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ચરેલ ગામે આવેલ પોસ્ટ ઓફિસના બ્રાંચ પોસ્ટ માસ્ટરે ખાતાધારકોના પૈસા હિસાબી ચોપડામાં નહીં દેખાડી રૂા.2.94 લાખ અંગત ઉપયોગમાં વાપરી નાખી ઉચાપત કર્યાનું તપાસમાં બહાર આવતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, રાજકોટનાં વૈશાલીનગર શેરી નં.6માં રહેતા અને ગોંડલ ખાતે આવેલ હેડ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર નિલય મહેશકુમાર પરમાર (ઉ.35)એ જામકંડોરણા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં ચરેલ બ્રાંચ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર હિતેન્દ્રસિંહ ડી.જાડેજાનું નામ આપ્યું છે.
ચરેલ ખાતે આવેલ બ્રાંચ પોસ્ટ ઓફિસમાં 11-8-2020થી 22-3-2022 દરમિયાન પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતાં હિતેન્દ્રસિંહ જાડેજાએ તેમની નોકરી દરમિયાન આઈ.પી.પી.બી. એકાઉન્ટધારકોના રોકડા રૂપિયા 2,94,700 મેળવી મોબાઈલ એપ્લીકેશનમાં એકાઉન્ટમાં પૈસા જમા લઈ રોકડા રૂપિયા હિસાબી ચોપડે નહીં દેખાડી અને હિસાબી ચોપડા કચેરીમાં જમા નહીં કરાવી જુદા જુદા ખાતા ધારકોના 2.94 લાખ અંગત ઉપયોગમાં વાપરી નાખી ઉચાપત કર્યાનું ધ્યાન પર આવતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે જામકંડોરણા પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ બી.એમ.ડોડીયા ચલાવી રહ્યાં છે.