IPOમાં રોકાણની લાલચ આપી 15 લોકો સાથે 2.23 કરોડની ઠગાઈ
રાજકોટના ઈમિટેશનના વેપારી અને તેમના મિત્રોને શીશામાં ઉતારી ગઠિયો ફરાર: છેલ્લા બે વર્ષથી રાજકોટમાં અનેક રોકાણકારોને ઉંચા વળતરના નામે ફસાવ્યાની શંકા
રાજકોટમાં શેરબજારની ઓફિસ ધરાવતાં એક ભેજાબાજે આઈપીઓમાં ઉચા વળતરની લાલચ આપી ઈમીટેશનના વેપારી અને તેના ભાઈ સહિત 15 લોકો સાથે રૂા.2.23 કરોડની છેતરપીંડી કરી ગઠીયો ફરાર થઈ જતાં આ મામલે ભોગ બનનાર 15 જેટલા રોકાણકારોએ પોલીસ કમિશ્નરને મળી કરેલી રજૂઆત બાદ આ મામલે ગુનો નોંધાયો છે. રાજકોટમાં રહેતા ઈમીટેશનના વેપારી અને તેના ભાઈ સહિત 15 જેટલા ભોગ બનેલા રોકાણકારોને ઉચા વળતરના નામે હવે રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે.
રાજકોટનાં કાલાવડ રોડ પર આત્મીય કોલેજ સામે રામપાર્ક યોગી આશિષ એપાર્ટમેન્ટમાં રહેતા અને ઈમીટેશનનો વેપાર કરતાં જીગ્નેશભાઈ રમેશભાઈ વ્યાસની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે જેમાં આરોપી તરીકે સત્યસાંઈ હોસ્પિટલ પાસે આત્મીય કોલેજ પાછળ આસોપાલવ સ્પ્રીંગ્સ કોપર એપાર્ટમેન્ટની બાજુમાં રહેતા પ્રકાશ રતનશી ચુડાસમાનું નામ આપ્યું છે. જીગ્નેશભાઈએ ફરિયાદમાં જણાવ્યા મુજબ પાંચ વર્ષ પૂર્વે તેની ઓળખાણ પ્રકાશ સાથે થઈ હતી. પટેલ વેલ્થ નામની શેરબજારની પુષ્કારધામ મેઈન રોડ પર ઓફિસ આવેલ હોય જ્યાં પ્રકાશ કોમ્પ લાઈન્સ ઓફિસર તરીકે હોય તેની મુલાકાત થયા બાદ પ્રકાશે જીગ્નેશભાઈને શેરબજારના આઈપીઓમાં રોકાણ કરોતો ઉચુ વળતર મળશે તેવું જણાવ્યું હતું.
જીગ્નેશભાઈએ હાલ 10 લાખનું રોકાણ કરવાની તૈયારી બતાવતાં પ્રકાશે તેનાં નાગરિક બેંકના એકાઉન્ટમાં 10 લાખનો ચેક આપવાની વાત કરી હતી. અને જે ચેક બાદ પ્રકાશે વધુ રૂપિયાનું રોકાણની વાત કરતાં જીગ્નેશભાઈએ અલગ અલગ બેંકના ચેક આપ્યા હતાં. તેમજ ગોંડલ ખાતે રહેતા તેના સગા ભાઈ ભાવિન રમેશ વ્યાજને પણ આ બાબતે વાત કરતાં તેને પણ પ્રકાશની વાતમાં આવીને આઈપીઓમાં રોકાણ કરવા માટે પ્રકાશને ચેક મારફતે રૂપિયા આપ્યા હતાં. તેમજ બીજા ભાઈ સમીર રમેશ વ્યાસ તથા જૂનાગઢના તેના પિતરાઈ પાર્થ પ્રવિણકુમાર પંડયા તેમજ મિત્ર ઋષિત દિપક ત્રિવેદીએ પણ રૂપિયા 14.10 લાખનું રોકડ અને 17 લાખ બેંક મારફતે તેમ કુલ 31.10 લાખ આપ્યા હતાં. થોડા દિવસ બાદ પ્રકાશનો મોબાઈલ બંધ થઈ ગયો હતો અને કોઈ સંપર્ક નહીં થતાં પોતે છેતરાયા હોવાનું જાણવા મળતાં આ મામલે પોલીસ ફરિયાદ માટેની તજવીજ હાથ ધરી હતી.
જીગ્નેશભાઈ અને તેના ભાઈઓ સાથે છેતરપીંડી કરનાર પ્રકાશે અન્ય કેટલાક રોકાણકારોને પણ આઈપીઓની લાલચ આપી શીશામાં ઉતાર્યા હોવાનું જાણવા મળતાં આ તમામ રોકાણકારો ભેગા થયા હતાં ત્યારે જાણવા મળ્યું કે હરિપરપાળના કાનાભાઈ નાથાભાઈ મહીડા પાસેથી રૂા.3.50 લાખ, વિપુલભાઈ હસમુખરાય દવે પાસેથી રૂા.24.10 લાખ, રાજકોટના હર્ષદ સોમજીભાઈ વાળા પાસેથી રૂા.22 લાખ રોકડા તેમજ હર્ષદભાઈના ઓળખીતા નિલેશભાઈ ધીરજલાલ બગથરીયા, ઉદય પરેશભાઈ મકવાણા, હેમલ મુકેશભાઈ ભાલોડી, નિલેશભાઈ હિરાભાઈ પરમાર, કિશોરભાઈ લાંબરીયા, વિજયભાઈ લાંબરીયા પાસેથી રૂા.83 લાખ રોકડા પ્રકાશે પડાવ્યા હોવાનું ખુલ્યું હતું. આમ 15 રોકાણકારો પાસેથી રૂા.2 કરોડ 23 લાખ અને 70 હજાર રૂપિયા ઉઘરાવી પ્રકાશ ફરાર થઈ જતાં આ મામલો યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
રાજકોટ, ગોંડલ અને જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરનાં અનેક રોકાણકારોના રૂપિયા ફસાયા
રાજકોટનાં પુષ્કરધામ મેઈન રોડ પર શેરબજારની ઓફિસ ધરાવતાં અને કોમ્પ લાઈન્સ ઓફિસર તરીકે પોતાની ઓળખ આપી આઈપીઓમાં રોકાણની લાલચ આપીને રાજકોટના ઈમીટેશનના વેપારી તેમજ ગોંડલ અને જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરનાં અનેક રોકાણકારોને શીશામાં ઉતારી રૂા.2.23 કરોડ ઉઘરાવઈ ભુર્ગભમાં ઉતરી ગયેલા પ્રકાશ રતનશી ચુડાસમાની પોલીસ શોધખોળ કરી રહી છે ત્યારે જાણવા મળ્યું છે કે પ્રકાશે રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રનાં અનેક નાના મોટા રોકાણકારો પાસેથી 10 લાખથી લઈ 50 લાખ સુધીનું આઈપીઓમાં રોકાણ કરવાના નામે પોતાના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હોય શેરબજારમાં અને ખાસ કરીને આઈપીઓમાં ઉચુ વળતર મળશે તેવી આશાએ લાખો રૂપિયાનું રોકાણ કરનાર રોકાણકારોને હવે રાતા પાનીએ રોવાનો વારો આવ્યો છે અને આ રોકાણકારોના રૂપિયા ફસાયા છે.