આજીડેમમાં આપઘાત કરવા પહોંચેલી યુવતીને બચાવી લેતી 181 અભયમ
અમરેલી કંટ્રોલ રૂમમાંથી કોલ આવતા ક્રાઇમ બ્રાન્ચે લોકેશન મેળવી યુવતીનો જીવ બચાવ્યો
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા સાથે સુરક્ષા અને સલામતી જળવાય રહે તે માટે દરેક શહેરમાં રાજ્ય મહિલા બાળ વિકાસ તેમજ ગૃહ મંત્રાલય દ્વારા 181 અભ્યમ મહિલા હેલ્પલાઇન કાર્યરત કરવામાં આવી છે. જેના થકી મહિલાઓ પરના અત્યાચારો તેમજ બાળકોને થતી મુશ્કેલીઓનું નિવારણ 181 મહિલા હેલ્પલાઇન દ્વારા કરવામાં આવે છે. ત્યારે રાજકોટ શહેરના આજીડેમ ખાતે ડેમમાં ઝંપલાવી આપઘાત કરવા જઇ રહેલી યુવતીને 181 અભયમ તેમજ આજીડેમ પોલીસના સ્ટાફે બચાવી લઇ તેમનું કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું.
મળતી વિગતો મુજબ, રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશનર પુજા યાદવ, મદદનીશ પોલીસ કમિશનર વી.જી.પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પોલીસ કંટ્રોલરૂમમાં અમરેલી પોલીસ કંટ્રોલરૂમમાંથી જગદીશભાઇ નામના વ્યક્તિનો કોલ આવ્યો હતો અને તેમણે જણાવ્યું હતુ કે, મેટોડા રહેતી તેમની બહેન પારીવારિક કારણો સર ન્યારી ડેમ તરફ આપઘાત કરવા જાય છે.
ગંભીરતાને ધ્યાને પોલીસ કંટ્રોલરૂમના પી.એસ.આઇ. એચ.કે.રાવલ અને સ્ટાફે તુરંત ઘટનાની જાણ તાલુકા પોલીસ મથકને તેમજ ક્રાઇમબ્રાંચને કરી હતી. સમયસુચકતા દાખવી ક્રાઇમબ્રાંચે યુવતીના મોબાઇલ નંબર પરથી લોકેશન મેળવતા યુવતીનું લોકેશન આજીડેમ પાસે માંડા ડુંગર નજીકનું મળી આવ્યું હતું. આજીડેમ પોલીસ મથકની બે પોલીસ વાહન પહોંચતા આ યુવતી મળી આવી હતી અને ત્યાર બાદ યુવતીના પિતા તેમજ અમરેલી રહેતા તેમના ભાઇનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આજીડેમ પોલીસ મથકે લઇ જઇ યુવતીનું 181 અભયમ દ્વારા કાઉન્સેલીંગ કરી ભવિષ્યમાં આવું કોઇ પગલુ ન ભરે તે માટે જણાવ્યું હતું.