ચેરિટી કમિશનરના 204માંથી 172 કર્મચારીઓની સાગમટે બદલી, ભારે ઉહાપોહ બાદ બદલી સ્થગિત
ભૂતપૂર્વ એન્ડોવમેન્ટ કમિશનરે બદલીના હુકમો કરનાર સચિવ સામે તપાસની કરી માંગણી
ગુજરાતમાં સરકારી કર્મચારીઓની બદલીના દોરમાં ચેરીટી કમિશનર વિભાગના રાજયના 204 માંથી 172 કર્મચારીઓની એક સાથે બદલી કરી નાખવામાં આવતા ભારે દેકારો મચી જવા પામ્યો હતો. જો કે સાંજ પડતા જ આ બદલીના હુકમો સ્થગિત કરાયા હતા. અચાનક આટલા મોટા પ્રમાણમાં થયેલી બદલીઓ પાછળ કયાંક કાચુ કપાયુ હોવાનુ પણ માનવામાં આવે છે.
સરકારી કર્મચારીઓની બદલીનો અભૂતપૂર્વ કિસ્સો સામે આવ્યો છે. એન્ડોમેન્ટ કમિશનર કચેરીના કર્મચારીઓની બદલીના કારણે ગુજરાતમાં અંધાધૂંધી સર્જાઈ છે. ગુજરાતમાં એન્ડોવમેન્ટ કમિશનરના કુલ 204 કર્મચારીઓમાંથી 172 લોકોની એક સાથે બદલી કરવામાં આવી હતી. રાતોરાત બદલીઓના કારણે કર્મચારીઓમાં દેકારો મચી ગયો હતો. એન્ડાવમેન્ટ અધિકારીઓએ પુનરોચ્ચાર કર્યો કે આ કાયદા વિભાગનો આદેશ છે. રાતોરાત બદલીઓના કારણે કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. એન્ડાવમેન્ટ કમિશનરની કચેરીનો સ્ટાફ દરેક જિલ્લામાં કામ કરે છે.
એન્ડોવમેન્ટ્સ વિભાગ ધાર્મિક-જાહેર ટ્રસ્ટોને લગતી મિલકત-વહીવટની બાબતો માટે જવાબદાર છે. મોટા પાયે બદલીઓના કારણે જિલ્લાઓમાં સમગ્ર કચેરીના કર્મચારીઓની બદલી થઈ ગઈ છે. બદલી કરાયેલા કર્મચારીઓને મંગળવારે બદલીના સ્થળે હાજર રહેવા આદેશ કરાયો હતો.
ભૂતપૂર્વ એન્ડોવમેન્ટ કમિશનરે કાયદા સચિવને પત્ર લખીને આ બદલીઓનો વિરોધ કર્યો હતો. સચિવને મહિલા વહીવટી અધિકારી અન્સારીના નિર્ણયની તપાસ કરવા વિનંતી કરવામાં આવી છે. બદલીના નિર્ણય સામે મોટી સંખ્યામાં કર્મચારીઓએ કોર્ટમાં જવાની તૈયારી દર્શાવી હતી.જો કે, ભારે દેકારો થતા અને બદલીના હુકમો સામે સવાલો ઉઠતા તાબડતોબ બદલીના હુકમો સ્થગિત કરાયા હતા.