તહેવારોની સિઝન સમયે જ રેશનિંગના 17 હજાર વેપારીઓ બેમુદતી હડતાળ પર
રેશનકાર્ડ ઉપર થતી અનાજ સહિતની ચીજ-વસ્તુઓનું વિતરણ ઠપ
રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં તહેવાર ટાણે જ સસ્તા અનાજના વેપારીઓની આજથી હડતાળ શરૂ થઈ છે. રાજકોટ શહેર અને જિલ્લાના 700થી વધુ સહિત રાજ્યભરના 17 હજાર જેટલા સરતા અનાજના દુકાનદારો આજથી હડતાલ ઉપર ઉતરી જતાં રેશનીંગની ચીજ-વસ્તુઓનું વિતરણ ઠપ્પ થઈ ગયું છે. આજથી કોઇ દુકાનો નહિ ખોલે તેવી જાહેરાત કરાઇ છે. સસ્તા અનાજના વેપારીએ જણાવ્યું હતું કે અમારી ત્રણ વર્ષ જૂની માંગ છે કે દુકાનદારોને 20 હજાર કમિશન આપવામાં આવે અને 97 ટકા ઓનલાઇન વિતરણ ફરજીયાતની શરત દૂર કરે સસ્તા અનાજના દુકાનદારોબઅચોક્કસ મુદતની હડતાલ પર ઉતરતા ગરીબોને રાશન લેવામાં મુશ્કેલી થશે.
ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન મહામંત્રી હિતુભા જાડેજાએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી અમારી જૂની માંગ છે જેને પગલે આજથી સમગ્ર ગુજરાતના વેપારીઓએ હડતાલ પર ઉતરી ગયા છે. સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજી સુધી અમારા પ્રશ્નોનું નિવારણ આવ્યું નથી જેને લઇ આજથી આ ચોક્કસથી મુદત સુધી હડતાલ પાડવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે, નવરાત્રી અને દિવાળીના તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે. તેવા સમયે જ સસ્તા અનાજના વેપારીઓની હડતાલથી રેશનિંગના અનાજ સહિતની ચીજ-વસ્તુઓનું વિતરણ ઠપ્પ થઈ જતા લોકોમાં દેકારો મચી ગયો છે.