માર્ગ-મકાન વિભાગમાં 17 ક્લાસ વન ઓફિસરોને પ્રમોશન અપાયા
માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગુજરાત ઇજનેરી સેવા સિવિલ વર્ગ એકના પાંચ અધિકારીઓની બદલી કરવામાં આવી છે અને 17 અધિકારીઓને પગાર ધોરણ સુધારી પ્રમોશન આપવામાં આવ્યા છે. પરંતુ બદલી અને પ્રમોશનના આ લિસ્ટમાં સૌરાષ્ટ્રના એક પણ અધિકારીનો સમાવેશ થતો નથી.
જે 17 અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે તેમા હિંમતનગર ખાતે પંચાયત માર્ગ મકાન વિભાગમાં કાર્યપાલક ઇજનેર તરીકે જવાબદારી સંભાળતા આઈ કે પટેલને અધિક્ષક ઇજનેર તરીકે પ્રમોશન આપીને રાજકોટ ખાતે પંચાયત માર્ગ મકાન વર્તુળ બેમાં મૂકવામાં આવ્યા છે આવી જ રીતે ગાંધીનગર ખાતે ફરજ બજાવતા એન. કે. પ્રજાપતિને પ્રમોશન આપીને રાજકોટ ખાતે માર્ગ મકાન વર્તુળ એકમાં મૂકવામાં આવ્યા છે. ગાંધીધામ કચ્છ ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા એમ.એમ વીસાવડીયાને રાજકોટ ખાતે પંચાયત માર્ગ મકાન વર્તુળ એકમાં પોસ્ટિંગ અપાયું છે.
માર્ગ મકાન વિભાગમાં બઢતી ના મામલે હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તે બાબતને ધ્યાનમા રાખી બઢતીથી કરવામાં આવેલ નિમણૂક હાઇકોર્ટના પડતર કેસમાં આખરી ચુકાદા ને આધીન રહેશે તેમ પણ સરકારના સંયુક્ત સચિવ દ્વારા જણાવાયું છે.
બદલી અને બઢતીથી નિમણૂક પામેલ અધિકારીઓએ તેમની હાલની જગ્યાએથી તાત્કાલિક ફરજ મુક્ત થઈને તેમની બદલી અને બઢતી ની નવી જગ્યાએ તુરત હાજર થવાનું રહેશે અને આ અંગેની જાણ ડિપાર્ટમેન્ટને તાત્કાલિક ઇ-મેલ આઇડી પર કરવાની રહેશે. આ ઉપરાંત એક નકલ ડિપાર્ટમેન્ટને અને વેબસાઈટ પર પણ મોકલવા જણાવ્યું છે.