ખંભાળિયામાં શાળાની આજુબાજુ તમાકુ વેચતા 16 વેપારી દંડાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકારના નિયમ મુજબ શાળા અને કોલેજની આજુબાજુના વિસ્તારમાં તમાકુનું વેચાણ કરવા પર પ્રતિબંધ હોય, આ સંદર્ભે આવી ચીજ વસ્તુઓનું વેચાણ કરતા આસામીઓ સામે કડક હાથે કાર્યવાહી કરવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત રીતે સ્કવોડ બનાવીને ખંભાળિયા વિસ્તારમાં સધન ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી.
જેમાં ખંભાળિયાના જુદા જુદા સ્થળોએથી વિવિધ નિયમોનો ભંગ કરવા બદલ 16 આસામીઓને સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં રૂૂપિયા 3,200 નો દંડ વસૂલ કરીને શૈક્ષણિક સંકુલ નજીક વેચાતા સિગરેટ, તમાકુ તેમજ તમાકુની જુદી જુદી બનાવટોનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.
આટલું જ નહીં, આવા આસામીઓને કાયદાના અમલીકરણ અંગેની સમજૂતી આપી અને ભવિષ્યમાં આવી બેદરકારી ફરીથી દાખવવામાં ન આવે તે માટે સૂચના પણ આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહી તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર એ.એન. તિવારી, ટોબેકો સેલના કૈલાશ ચૌહાણ, સેનેટરી ઈન્સ્પેક્ટર મયુર ગાગલિયા અને પોલીસ કોન્સ્ટેબલ લીલાભાઈ જાદવની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
આગામી દિવસોમાં પણ તંત્ર દ્વારા આવા ગુનાઓને અનુલક્ષીને વેપારીઓ તેમજ જવાબદારો સામે કડક હાથે કાર્યવાહી કરીને કાયદાની જોગવાઈ મુજબ કામગીરી હાથ ધરવામાં આવશે તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા વધુમાં જણાવાયું છે.