ન્યારી ડેમ ખાતે 150 MLDનો બનશે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ
ઈએસઆર અને સંપ સહિતના પ્રોજેકટ માટે 117 કરોડનું ટેન્ડર પ્રસિધ્ધ, શહેરના નવા ભળેલા વિસ્તારોને મળશે લાભ
રાજકોટ શહેરની વસ્તી વધતા પીવાના પાણી જરૂરિયાતમાં મોટો વધારો થતાં તેમજ આગામી વર્ષોમાં ઉપસ્થિત થનારી પરિસ્થિતિને પહોંચી વળવા માટે મહાનગરપાલિકાએ અનેક મુદ્દે આગોતરા આયોજન કર્યા છે. જે અંતર્ગત ન્યારી ડેમ ખાતે 150 એમએલડીની ક્ષમતાનો ટ્રિટમેન્ટ વોટરપ્લાન્ટ તેમજ ઈએસઆર, જીએસઆર સહિતના 117 કરોડના પ્રોજેક્ટને મંજુરી આપી ટેન્ડર પ્રસિદ્ધ કર્યુ છે. પાંચ વર્ષ મેન્ટેનન્સ સહિતનું કામ એજન્સીને સોંપવામાં આવશે જેના લીધે વેસ્ટઝોનના છેવાડાના વિસ્તારો તેમજ હાલમાં મનપાની હદમાં ભળેલા ગામોને પીવાના પાણીની સમસ્યા માંથી છુટકારો મળશે.
મહાનગરપાલિકાના વોટરવર્કસ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ વેસ્ટઝોનમાં કાલાવડ રોડ તેમજ જામનગર રોડ તરફના વિસ્તારોમાં સતત વિકાસ થઈ રહ્યો છે. આ વિસ્તારોની નવી સોસાયટીઓ તેમજ અનેક ખેતરો બીનખેતી થતાં માનવ વસવાટમાં સતત વધારો જોવા મળશે. હાલની સ્થિતિએ મહાનગરપાલિકા દ્વારા શહેરની અંદાજે 5.30 લાખ મિલ્કતોને દરરોજ 20 મીનીટ પીવાનું પાણી પુરુ પાડવામાં આવી રહ્યું છે. જેના માટેના જળ સ્ત્રોત મર્યાદિત હોવાથી તેમજ પાણી સપ્લાય કરવા માટે ફિલ્ટરેશન સહિતની પ્રક્રિયામાં પણ સમય લાગતો હોય છે.
આ તમામ પરિસ્થિતિના આગોતરા આયોજન પેટે હવે ઈસ્ટઝોન, વેસ્ટઝોન અને સેન્ટ્રલઝોનમાં નવા ઈએસઆર, જીએસઆર અને વોટરટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌપ્રથમ ઝડપથી વિક્સિ રહેલા વેસ્ટઝોનના મોટાભાગના નવા વિસ્તારોને તેમજ રાજકોટ મહાનગરપલિકાની હદમાં ભળેલા માધાપર-મુંજકા, મોટામૈવા, મનહરપુર-1 અને ઘંટેશ્ર્વર ગામને પીવાનું પાણી પુરુ પાડવા માટે હાલ પાઈપલાઈન નાખવા સહિતની પ્રક્રિયા પૂર્ણ થવામાં છે. છતાં દરરોજ 20 મીનીટ પુરતા ફોર્સથી પાણી મળી રહે તે માટે વધુ પાણી ટ્રીટ કરવું જરૂરી બન્યું છે. જેના માટે ન્યારી-1 ડેમ ખાતે 150 એમએલડીનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, તેમજ ઈએસઆર, જીએસઆર સહિતનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે.
ન્યારી ડેમ ખાતે 150 એમએલડીની ક્ષમતાનો વોટરટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટે રૂા. 117 કરોડનો ખર્ચ નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ સ્થળ ઉપર પ્રથમ સંપ તૈયાર કયાર્ર બાદ ઈએસઆર અને જીએસઆર તેમજ અન્ય પ્રોજેક્ટની કામગીરી હાથ ધરાશે. ન્યારી ડેમમાંથી ઉપાડવામાં આવતુ પાણી ઉપરાંત વધારાનું 150 એમએલડી પાણીને ટ્રીટ કરવામાં આવશે. જેનું વિતરણ હાલમાં ટેન્કરો દોડાવામાં આવી રહ્યા છે. તેવા વિસ્તારો તેમજ નવી તૈયાર થનાર સોસાયટીઓ અને હાઈરાઈઝ બિલ્ડીંગોમાં આ પાણી સપ્લાય કરવામાં આવશે તેવી જ રીતે ટેક્નિકલ કારણોસર કોઈપણ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ શક્ય ન હોય ત્યારે એક્સપ્રેસ ફિડર લાઈન મારફતે અન્ય ઝોનમાં પાણી પહોંચાડવાની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે.
14.53 કરોડના ખર્ચે પમ્પ હાઉસ તૈયાર થશે
મહાનગરપાલિકા દ્વારા વેસ્ટઝોન વિસ્તારમાં નવા ભળેલા ગામો તેમજ હાલમાં નળ મારફતે પીવાનું પાણી ન મળતું હોય તેવા વિસ્તારોને પાણી પુરુ પાડવા માટે ન્યારી ડેમ ખાતે 117 કરોડના ખર્ચે 150 એમએલડી ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવા ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. ત્યારે આ સ્થળ ઉપર ઈએસઆર, જીએસઆર તેમજ પાણીનો સંપ તૈયાર કરી બાજુમાં 14.53 કરોડના ખર્ચે પમ્પ હાઉસ બનાવવામાં આવશે. જેનું મેન્ટેનન્સ સહિતના કામનું પાંચ વર્ષનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.