પાંચ વર્ષથી નાના 15 લાખ બાળકો કમજોર, પોષણલક્ષી યોજનાઓ માટે 5500 કરોડ
ગુજરાતમાં એક અંદાજ મુજબ લગભગ 5 વર્ષથી નાનાં 15 લાખ બાળક કમજોર (ઊંચાઈના પ્રમાણમાં ઓછું વજન) છે. તમને એ વાતે પણ ચોંકાવશે કે ન્યૂટ્રિશન રિહેબિલિટેશન સેન્ટરમાં બાળકોના દાખલ થવાની સંખ્યા મામલે ગુજરાત ભારતમાં બીજા ક્રમે પહોંચી ગયું છે અને ઉપરથી આંકડો છેલ્લાં ત્રણ વર્ષમાં બમણો થઈ ગયો છે, જે મોટી ચિંતાનો વિષય છે. ત્યારે એની અસર ગુજરાતના બજેટ પર પણ જોવા મળી રહી છે. આ વખતેના બજેટમાં સુપોષિત ગુજરાત મિશનની જાહેરાત કરાઈ છે અને પોષણલક્ષી યોજનાઓના બજેટમાં લગભગ 75 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
આવનારી પેઢીને વધારે સક્ષમ બનાવવા માટે સુપોષિત ગુજરાત મિશનની જાહેરાત કરાઈ છે. મિશનમાં બાળકો, કિશોરીઓ અને મહિલાઓને કેન્દ્ર સ્થાને રખાશે. લાભાર્થીઓનો વ્યાપ વધારવામાં આવશે,
નવી યોજનાઓ શરૂૂ કરવામાં આવશે, લાભાર્થીઓને મળતી સહાયમાં નોંધપાત્ર વધારો કરી દરેક આયુ વર્ગનાં બાળકો અને મહિલાઓ માટે યોજનાકીય માળખું વધારે સુદૃઢ કરવામાં આવશે.
બજેટમાં વિવિધ વિભાગોની પોષણલક્ષી યોજનાઓમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષની અંદાજે 3200 કરોડની જોગવાઇ સામે આગામી વર્ષ માટે 5500 કરોડની જોગવાઇ કરવામાં આવી છે, એટલે કે આ યોજનાઓ માટે 2300 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.