રામનાથપરામાં ફાયર NOC વગરની બિલ્ડિંગમાં આગ લાગતા 14ને બચાવાયા
વીજમીટરમાં લાગેલી આગ બાદ લોકો જીવ બચાવવા અગાશી ઉપર ચડી ગયા
ફાયર બ્રિગેડની ટીમે ફલેટ ધારકોને હેમખેમ નીચે ઉતાર્યા
શહેરના રામનાથપરામાં આવેલ એનઓસી વગરના એક બિલ્ડીંગમાં આગ લાગતાં નાસભાગ મચી ગઈ હતી. એપાર્ટમેન્ટનાં ગ્રાઉન્ડ ફલોરમાં પીજીવીસીએલનાં મીટરમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હતી અને જેના કારણે ધુમ્માડાના ગોટેગોટા એપાર્ટમેન્ટમાં ફેલાઈ જતાં ડરના માર્યા બિલ્ડીંગમાં રહેતાં લોકો અગાશી ઉપર ચડી ગયા હતાં. આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ત્રણ ફાયર ફાઈટરો સાથેનો કાફલો રામનાથપરામાં પહોચ્યો હતો અને આગ બુજાવવાની સાથે બાળકો સહિત 14 લોકોને રેસ્કયુ કરી હેમખેમ નીચે ઉતાર્યા હતાં. આ ઘટના બનતા લોકોના ટોળેટોળા એપાર્ટમેન્ટ આસપાસ ભેગા થઈ ગયા હતાં. જેને લઈને પોલીસને પણ બોલાવી પડી હતી.
રામનાથપરા શેરી નં.14માં આવેલા શિવ એપાર્ટમેન્ટ નામના બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફલોર પર પીજીવીસીએલનાં મીટર બોડમાં આગ લાગી હતી. બિલ્ડીંગમાં રહેતાં ભાનુપ્રસાદ જગદીશચંદ્રના નામનું આ વીજ મીટર હોય જેમાં આગ લાગી ત્યારે બ્લાસ્ટ થયો હોય જેથી એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ડર ઉભો થઈ ગયો હતો. ચાર માળના આ બિલ્ડીંગમાં કુલ નવ ફલેટ આવેલા છે. ગ્રાઉન્ડ ફલોરમાં વીજ મીટરમાં શોર્ટસર્કીટથી આગ લાગ્યા બાદ ધુમ્માડા નીકળવા લાગ્યા હતાં. જેના કારણે આખા બિલ્ડીંગમાં ધુમ્માડો ફેલાઈ જતાં ત્યાં રહેતાં લોકોમાં ભય ફેલાતા ફલેટધારકો બચવા માટે બિલ્ડીંગની અગાશી પર ચડી ગયા હતાં અને ત્યારબાદ બિલ્ડીંગમાંથી લોકોએ બચાવો બચાવોની બુમ પાડતાં આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતાં.
આગ લાગ્યાની જાણ થતાં રાજકોટ ફાયર બ્રિગેડની ત્રણ ટીમો રામનાથપરા ખાતે દોડી ગઈ હતી અને બિલ્ડીંગમાં મીટરમાં લાગેલી આગ બુજાવી નાખી હતી અને ત્યારબાદ ફાયરબ્રિગેડના સ્ટાફ દ્વારા છ મહિલા, ચાર પુરૂષ અને ચાર બાળકોને અગાશી ઉપરથી રેસ્કયુ કરી હેમખેમ નીચે ઉતાર્યા હતાં. આ મામલે ફાયરબ્રિગેડ તપાસ કરતાં રામનાથપરામાં આવેલા આ શિવ એપોર્ટમેન્ટમાં ફાયર એનઓસી નહીં હોવાનું જાણવા મળ્યું છે.