પતંગના દોરાથી 3 બાળકો સહિત 14 લોકો ઘવાયા
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં મકરસંક્રાંતિના પર્વને અનુલક્ષીને લોકોએ મન ભરીને પતંગ ઉડાવી ને પતંગોત્સવ મનાવ્યો હતો, પરંતુ પતંગના દોરા ના કારણે 14 વ્યક્તિઓ ઘાયલ થઈ છે, અને તમામને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે.
પતંગના દોરાથી સમગ્ર દિવસ દરમિયાન ગ્રીન સીટી વિસ્તારમાં રહેતી એક 22 વર્ષની યુવતી, ઉપરાંત બે બાળકો તથા 11 પુરુષો સહિત કુલ 14 વ્યક્તિઓ ઘાયલ થયા હતા, અને તમામને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી, અને ટાંકા અપાયા બાદ તમામને રજા આપી દેવાઇ છે. એક યુવાન સારવાર હેઠળ છે.
જામનગરના સાંઢીયા પુલ પરથી પસાર થઈ રહેલા એક બાઈક ચાલક યુવાન મહિપતસિંહ જાડેજા કે તેના ગળામાં પતંગની દોરી ફસાઈ હતી, અને તેનું ગળું કપાયું હતું, અને પુલ ઉપરજઢળી પડ્યો હતો.
આ બનાવ અંગે 108ની ટીમને જાણ કરાતાં 108 ની ટુકડી તાબડતોબ સાંઢીયા પુલ પર દોડી આવી હતી, અને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર આપ્યા બાદ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તેની તબિબ દ્વારા સધન સારવાર કરવામાં આવી હતી. જોકે તેની તબિયતમાં સુધારો થવાથી તેને પણ રજા આપવામાં આવી છે.
જામનગર નજીક રણજીતસાગર ડેમ પાસે આવેલા રક્કા ગામમાં એક કિશોર પોતાના મકાનની છત પર પતંગ ઉડાવતો હતો, જે દરમિયાન અકસ્માતે નીચે પટકાયો હતો, અને તેને પણ ઇજાગ્રસ્ત હાલતમાં 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે, જેને ગળાના ભાગે તેમજ હાથ અને પીઠના ભાગે ઇજા થઈ છે. જેની સારવાર ચાલી રહી છે. સમગ્ર દિવસ દરમિયાન કુલ 14 વ્યક્તિઓ પતંગના દોરાથી ઈજાગ્રસ્ત બની હતી.