આનંદ સ્નેક્સના માતા-પુત્રએ 14.50 લાખની છેતરપિંડી કરતા પોલીસ કમિશનરને ફરિયાદ
શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી આનંદ સ્નેક્સ નામની ફુડશોપને ગયા અઠવાડિયે મહાનગરપાલિકા દ્વારા શીલ કરી દેવામાં આવી છે.ત્યારબાદ આનંદ સ્નેક્સ ચલાવતા સંચાલિકાએ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને રજુઆત કરતો પત્ર લખ્યો હતો જેમાં બે વ્યાજખોરના નામ આપી તેની પર ગંભીર આક્ષેપો કર્યા હતા.ત્યારબાદ બીજા દિવસે મહિલાનો એક વીડિયો સામે આવ્યો હતો.જેમાં તેઓ કોર્ટમાં લડત કરશે તેવું જણાવ્યું હતું.
તેવામાં ડો.યાજ્ઞિક રોડ પર કારીયાણાની શોપ ધરાવતા મુકેશભાઈ હરજીવનદાસ તન્નાએ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને અરજી કરતા તેમાં જણાવ્યું હતું કે,તેઓ કમલેશ એન્ડ બ્રધર્સના નામે કરિયાણાનો હોલસેલ વેપાર કરે છે.આનંદ સ્નેક્સ વાળા રેખાબેન કોટક તથા તેમના પુત્ર ભાર્ગવ કોટકને છેલ્લા પાંચ વર્ષથી કરિયાણાના સામાનનું વેચાણ કરીએ છીએ અને તેઓ ધનરજનિ બિલ્ડીંગ, યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે રિટેઈલ વેપાર કરે છે તેમજ ઓર્ડર મુજબ મોટા ફંક્શનનું કેટરિંગનું કામ કરે છે તેમજ રાજુભાઈ જેઓ પણ રેખાબેનના ખાસ માણસ છે તેઓ પણ અવારનવાર ઓર્ડર આપતા હતા.
આ રેખાબેન કોટક સાથે અવાર નવાર વ્યવહારના હિસાબ મુજબ બીલ મુજબની લેણી રકમ રૂૂ.14.50 લાખ તેઓએ અમોને પરત આપવા સમય માંગતા જેથી અમો રાહ જોયેલ તેમ છતાં આજદિન સુધી કોઈએ રકમ ચૂકવી નથી.આ રેખાબેન તથા ભાર્ગવનો હાલ સંપર્ક કરતાં તેઓના ફોન સ્વિચ ઓફ આવે છે અને દુકાને રૂૂબરૂૂ ગયેલ તો જાણવા મળેલ કે,તેઓ રાજકોટ મૂકી જતા રહ્યા છે.આમ,આ બંને માતા પુત્ર સામે છેતરપિંડી, ગુનાહિત વિશ્વાસઘાત કરી અમોને આર્થિક નુકશાન કરેલ હોય તેઓ વિરુદ્ધ આઈ.પી.સી. કલમ 406, 409, 420, 120(બી) વી. મુજબ કાયદેસર કાર્યવાહી કરવા રજુઆત કરી છે.આ મામલે હાલ સ્થાનિક પોલીસ પણ તપાસ કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.