મોરબી કોર્પોરેશનમાં 1300 કર્મચારીઓની ભરતી થશે
રાજ્ય સરકાર દ્વારા મોરબી મહાનગરપાલિકાની રચના કરવામાં આવ્યા બાદ મોરબીના મુખ્ય માર્ગોની આસપાસમાં થયેલા કાચા-પાકા, નાના-મોટા દબાણોને દૂર કરવા માટેની કામગીરી હાલમાં કમિશ્નરની આગેવાની હેઠળ કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી આંગળીના ટેરવે ગણી શકાય તેટલા જ કાયમી કર્મચારીઓ છે અને તે સિવાય હંગામી અને રોજમદાર કર્મચારીઓને કામે રાખીને ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે પરંતુ આગામી સમયમાં મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં લોકોને સારામાં સારી સુવિધા મળે તેના માટે થઈને ક્લાસ વન થી લઈને ક્લાસ ફોર સુધી કુલ મળીને 1300 જેટલા અધિકારી અને કર્મચારીઓની ભરતી કરવા માટેની ઠરાવ સાથેની દરખાસ્ત હાલમાં રાજ્યના શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવને મોકલી આપવામાં આવી છે અને વહેલમાં વહેલી તકે સ્ટાફની ભરતી થાય તે માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.
મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવમાં આવી છે અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોનો મોરબી મહાપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે મોરબી મહાપાલિકામાં હવે જે વિસ્તાર આવે છે ત્યાં લોકોને રોડ રસ્તા લાઈટ પાણી અને બાગ બગીચા સહિતની તમામ સારી સુવિધા મળે તેના માટેની કામગીરી મહાપાલિકાના વર્તમાન કમિશનર સ્વપ્નિલ ખરે અને તેઓની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.
જોકે કોઈ પણ કામ કરવા માટે થઈને મેનપાવર અને મનીપાવરની જરૂૂર પડતી હોય છે ત્યારે મનીપાવર તો સરકાર તરફથી ગ્રાન્ટ રુપે આપવામાં આવે છે તેની સાથોસાથ લોકો દ્વારા જે ટેક્સ જમા કરવામાં આવે છે તે ટેક્સની રકમનો ઉપયોગ કરીને પણ જુદા જુદા વિકાસ કામો કરવામાં આવે છે. પરંતુ ખાટલે મોટી ખોટ એટલે કે જો મેન પાવર જ ન હોય તો મની પાવર હોવા છતાં પણ લોકોને સારી સુવિધા ન આપી શકાય તે નરી વાસ્તવિકતા છે ત્યારે મોરબી મહાપાલિકામાં ટોપથી બોટમ સુધી જોવા જઈએ તો આજની તારીખે આંગળીના ટેરવે ગણી શકાય કેટલાક કાયમી કર્મચારીઓ છે.
મોરબી મહાપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા અગાઉ મોરબી મહાપાલિકા વિસ્તારને પશ્ચિમ ઝોન અને પૂર્વ ઝોન આમ બે ઝોનમાં વેચવામાં આવેલ છે અને મેઈન ઓફિસ તેમજ બંને ઝોન ઓફિસ વહેલી તકે શરૂૂ કરવામાં આવે તેના માટેની કવાયત કરવામાં આવી રહી છે. હાલમાં મહાપાલિકાના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી મહાપાલિકાની મેઇન ઓફિસ, બે ઝોન ઓફિસ અને 13 વોર્ડ ઓફિસમાં કુલ મળીને 1300 જેટલા અધિકારી અને કર્મચારીની ભરતી કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને તેના માટે મોરબી મહાપાલિકાના વહીવટદારનો ઠરાવ કરીને હાલમાં રાજ્યના શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવને તે દરખાસ્ત મોકલી આપવામાં આવી છે સૂત્રોના કહેવા મુજબ મોરબી મહાપાલિકાની મુખ્ય કચેરીમાં 556 જેટલા અધિકારી અને કર્મચારી તેમજ બંને ઝોન ઓફિસમાં કુલ મળીને 606 જેટલાં અધિકારી અને કર્મચારી તેમજ હાલમાં જે 13 વોર્ડ છે તે દરેક વોર્ડની ઓફિસમાં કુલ 15-15 એટ્લે કે 195 અધિકારી અને કર્મચારીની ભરતી કરવામાં આવશે. આમ કુલ મળીને મહાપાલિકામાં 1300 જેટલા અધિકારી અને કર્મચારીઓની ભરતી કરવામાં આવશે.