રાજકોટ શહેર અને જિલ્લાના 8 સહિત રાજ્ય પોલીસના 128 ક્લાર્કને બઢતી
રાજ્યના પોલીસ વિભાગમાં હાલ બઢતી અને બદલીનો દોર શરૂ થયો છ.ે ત્યારે 233 પીએસઆઇની પી.આઇ. તરીકે બઢતી મળ્યા બાદ હવે રાજ્યના પોલીસ વિભાગમાં અલગ-અલગ સ્થળે ફરજ બજાવતા 128 જુનીયર ક્લાર્કને સિનિયર ક્લાર્ક તરીકે બઢતી આપવામાં આવી છે.
તો કેટલાક સિનિયર ક્લાર્કની બદલી પણ કરવામાં આવી છે. રાજકોટ શહેર અને જિલ્લાના 8 જેટલા ક્લાર્કને સિનિયર ક્લાર્ક તરીકે બઢતી આપવામાં આવી છે. તેમજ 10 સિનિયર ક્લાર્કોની અલગ-અલગ સ્થળે બદલી કરવામાં આવી છે.
રાજ્યના પોલીસ વિભાગના વહીવટી વિભાગના વડા ગગનદીપ ગંભીરે એકસાથે 128 જુનીયર ક્લાર્કને સિનિયર ક્લાર્ક તરીકે પ્રમોશન આપ્યા છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લાના 8 ક્લાર્કને બઢતી આપવામાં આવી છે. જેમાં રાજકોટ ગ્રામ્યના એ.એસ.દવેને બઢતી સાથે મોરબી તેમજ એમ.આર.મંડીરને બઢતી સાથે મોરબી બદલી કરવામાં આવી છે. જ્યારે રાજકોટ આઇ.જી.પી. કચેરી રેન્જમાં ફરજ બજાવતા ક્લાર્ક એસ.બી.ગોહિલને બઢતી સાથે ડીજીપી કચેરી ખાતે મૂકવામાં આવ્યા છે. જ્યારે જિલ્લા પોલીસ વડાના પીએ તરીકે ફરજ બજાવતા વી.બી.ખાચરને બઢતી સાથે રાજકોટ શહેર સીપી કચેરીએ મૂકવામાં આવ્યા છે. જ્યારે સીપી કચેરીના પી.વી.મહેતાને બઢતી સાથે એસ.આર.પી. ગોંડલ ખાતે તેમજ એ.સી.બીના એ.બી.કટારાને બઢતી સાથે પોલીસ કમિશનર કચેરી ખાતે મૂકવામાં આવ્યા છે. જ્યારે બોટાદના કે.આર.પટેલને રાજકોટ ગ્રામ્યમાં અને બનાસકાંઠાથી સિનિયર ક્લાર્ક જે.એમ.સોલંકીને રાજકોટ ખાતે મૂકવામાં આવ્યા છે.
ઉપરાંત રાજ્યના અલગ-અલગ શહેર અને જિલ્લામાં ફરજ બજાવતા 128 જૂનિયર ક્લાર્કને બઢતી સાથે કેટલાક ક્લાર્કને અન્ય શહેર જિલ્લામાં બદલાવામાં આવ્યા છે. ઉપરાંત રાજ્ય પોલીસ દળની કચેરીમાં ફરજ બજાવતા દસ જેટલા સિનિયર ક્લાર્કની સ્વ વિનંતીથી બદલી કરવામાં આવી છે. આગામી દિવસોમાં હજુ પણ પોલીસ વિભાગમાં બઢતી અને બદલીનો દોર ચાલુ રહેશે.