For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જેટકોના ભરતી ભવાડામાં 12 અધિકારીઓ થશે ઘર ભેગા

12:55 PM Dec 22, 2023 IST | Sejal barot
જેટકોના ભરતી ભવાડામાં 12 અધિકારીઓ થશે ઘર ભેગા

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે ખળભળાટ મચાવનાર જેટકોની વિદ્યુત સહાયકની ભરતી પ્રક્રિયા રદ કરવાના ભવાડાના કારણે વડોદરામાં જેટકોની કચેરી સામે પરીક્ષાર્થીઓ દ્વારા ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે આખરે જેટકોના મેનેજમેન્ટ નીચે પણ રેલો આવ્યો હોય તેમ આ ભરતી ભવાડામાં 12 અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે અને ગમે ત્યારે ધડાકા થવાની શકયતા છે.
બીજી તરફ પરીક્ષા લેવાઈ ગયા બાદ ભરતી રદ થતાં ઉશ્કેરાયેલા ઉમેદવારોએ અડીંગો જમાવ્યો હતો અને આંદોલન ચાલુ જ રાખતા વાતાવરણમાં ભારે ગરમાવો આવ્યો છે. આ ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવતાં જેટકો દ્વારા હાથ ધરાયેલી તપાસનો રિપોર્ટ આવી ગયો છે અને તેના આધારે 12 જેટલા અધિકારીઓને જવાબદાર ઠેરવી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે.
1224 જેટલા વિદ્યુત સહાયકોની ભરતી પ્રક્રિયા રદ કરી દેવાના જેટકોના નિર્ણય બાદ આ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો આ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે, ત્યારે તેમના વતી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ જેટકો ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. અને રાતભર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ઉમેદવારો સાથે જેટકોની ઓફિસ આગળ બેઠા છે અને કહી રહ્યા છે કે જ્યાં સુધી અમારી માંગ સ્વીકારવામાં નહિ આવે ત્યાં સુધી અહીંથી હટીશું નહીં. આજની રાત ઉમેદવારો જેટકો કચેરીની બહાર ફુટપાથ ઉપર જ સુઈ રહ્યા હતાં અને જમવાની વ્યવસ્થા પણ ત્યાં જ કરી હતી.
ઉમેદવારોને સાથે રાખીને તેમણે જેટકોના એચઆર વિભાગના જનરલ મેનેજર સાથે બેઠક કરી હતી. એ પછી તેમણે કહ્યું હતું કે, જેટકોના એમડીને અમે મળવા માટે ગયા હતા પણ એમડી મળ્યા નહોતા. આથી અમે આવેદનપત્ર આપ્યુ નથી. અમે જેટકોના એમડીને આવેદનપત્ર આપ્યા વગર પાછા જવાના નથી. જો કે સવારથી મુલાકાત માટે બેઠેલા યુવરાજસિંહ અને ઉમેદવારો અત્યારે રાત્રે પણ જેટકો ઓફિસ બહાર બેઠા છે અને પોતાની માંગણીથી પાછળ હટવા માંગતા નથી.

Advertisement

ફેર પરીક્ષા માટે તાબડતોબ તારીખો જાહેર કરી દેવાઈ

જેટકોમાં વિદ્યુત સહાયકોની ભરતી પ્રક્રિયા માટે નવેસરથી પરીક્ષા લેવા સામે પાસ થયેલા ઉમેદવારોએ કરેલા ભારે વિરોધ અને દેખાવોની જેટકોના સત્તાધીશો પર કોઈ અસર થઈ નથી. જેટકો દ્વારા નવેસરથી પરીક્ષા લેવાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે અનુસાર ઉમેદવારોનો તા.28 અને 29ના રોજ પોલ ટેસ્ટ યોજાવામાં આવશે. જ્યારે 7 જાન્યુઆરી લેખિત પરીક્ષા યોજવામાં આવશે.જેટકોએ પોતાની વેબસાઈટ પર સતાવાર રીતે પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે. આ પોલ ટેસ્ટ માટે રાજકોટ ઝોનમાં 6 સ્થળો, ભરૂૂચ ઝોનમાં 3 સ્થળો અને મહેસાણા ઝોનમાં 3 સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. આ ટેસ્ટ માટે ઉમેદવારોને કોલ લેટર મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે સાત ડિસેમ્બરે અમદાવાદ ખાતે લેખિત પરીક્ષા લેવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement