વિજય પ્લોટમાં 11 વર્ષના બાળકને હાર્ટએટેક આવ્યો, પિતાએ CPR આપ્યા પરંતુ જીવ ન બચ્યો
ગોંડલ રોડ પર વિજય પ્લોટમાં રહેતો 11 વર્ષનો બાળક પોતાના ઘર પાસે બેઠો હતો ત્યારે અચાનક ઢળી પડતા તેમના પિતાએ તેમને સીપીઆર આપ્યા હતા. ત્યારબાદ તેમને હોસ્પિટલે લઇ જતા તબીબોએ 1 કલાક સુધી તેમના છાતી પર પમ્પિંગ કર્યુ હતુ. આમ છતા બાળકનો જીવ બચી શકયો ન હતો અને તેમને હાર્ટ એટેક આવ્યો હોવાનુ જાણવા મળ્યુ હતુ. બાળકના મૃત્યુથી પરિવારમાં શોક છવાઇ ગયો છે.
બનાવની મળતી વિગતો મુજબ ગોંડલ રોડ પર વિજય પ્લોટમાં રહેતો દેવરાજ કનકભાઇ કારેલીયા નામનો 11 વર્ષનો બાળક રવિવારે સવારના સમયે પોતાના ઘરની બહાર મિત્રો સાથે બેઠો હતો ત્યારે અચાનક જ ત્યા ઢળી પડતા તેમને પિતાએ સીપીઆર આપ્યા હતા અને વિદ્યાનગર મેઇન રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો જયા તબીબોએ લગભગ એક કલાક સુધી સીપીઆર આપ્યા હતા અને વેન્ટીલેટર પર રાખ્યો હતો આમ છતા બાળકનો જીવ બચી શકયો ન હતો અને તેમનુ હાર્ટ એટેકથી મૃત્યુ નિપજયાનુ તબિબોએ જાહેર કર્યુ હતુ. દેવરાજ બે ભાઇમાં મોટો હતો અને પોતે જસાણી ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ધો. 6 માં અભ્યાસ કરતો હતો. બાળકના મૃત્યુથી પરિવારમાં શોક છવાઇ ગયો છે.
જયારે બીજી ઘટનામાં કોઠારીયા રોડ પર આવેલા મેહુલનગર શેરી નં પ માં રહેતા બીનાબેન પારસભાઇ ઠાકર નામના 39 વર્ષીય મહીલાને મોડી રાત્રે અચાનક પોતાના ઘરે બેભાન થઇ જતા તેમને રાત્રીના સમયે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જયા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. તેમજ બીનાબેનને હાર્ટ એટેક આવ્યો હોવાનુ તબીબો મારફતે જાણવા મળ્યુ હતુ. આ અંગે બીનાબેનને સંતાનમાં બે પુત્ર હોવાનુ જાણવા મળી રહયુ છે. તેમના મૃત્યુથી પરિવારમાં શોક છવાઇ ગયો છે.