વેરાવળમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 1008 યુનિટ એકત્ર
કોઈપણ પ્રકારની કપરી સ્થિતિમાં ઇમરજન્સીને ધ્યાને લઈ ગીર સોમનાથ ઈન્ડિયન રેડક્રોસ તેમજ અન્ય સંસ્થાઓના સહયોગ થકી વેરાવળ મણિબહેન કોટક સ્કૂલમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં નાગરિકોએ અભૂતપૂર્વ દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો. જેના થકી આશરે 1008 યુનિટ એકત્ર થયાં હતાં.
ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે રક્તદાનમાં સહયોગ આપનાર તમામ સંસ્થાઓ, પદાધિકારીઓ અને સંગઠનોનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. કલેક્ટરે જણાવ્યું હતું કે, વિવિધ સંસ્થાઓ અને નાગરિક સમાજના સહયોગથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન માટે તમામ સંગઠનો, વિવિધ કચેરીઓ તેમજ સંસ્થાઓનો પૂર્ણ સહકાર મળ્યો છે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ દરમિયાન 1000 થી વધુ યુનિટ્સ એકઠાં થયાં છે. આમ, નાગરિકોએ દેશભક્તિનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એમ એમણે ઉમેર્યું હતું. 32 બેડની વ્યવસ્થા તેમજ મેડિકલ ટીમ્સ થકી સુનિયોજીત વ્યવસ્થામાં નાગરિકો બ્લડ ડોનેટ કરેલ અને આ સમય માતૃભૂમિ માટે ઋણ અદા કરવાનો હોય જેથી અચૂક સ્વૈચ્છિક રક્તદાન કરી સેવાના આ મહાયજ્ઞમાં સહભાગી બનેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત દેશની રક્ષા કરવા કાજે સેનાના જવાનો દેશની સુરક્ષા માટે સતત કાર્યરત છે. સરહદ પર સંઘર્ષના સમયે ઘાયલ જવાનો માટે લોહીની જરૂૂર ઉદ્ભવે અને અન્ય જરૂૂરિયાતમંદ દર્દીઓ માટે પણ લોહી ઉપલબ્ધ રહે તે માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં એન.સી.સી. કેડેટ્સ, વિવિધ સમાજના પ્રતિનિધિઓ, વ્યાપારી મંડળો, વિવિધ સામાજિક સંસ્થાઓ અને ધાર્મિક સંગઠનો, અગ્રણીઓ, અધિકારીઓ-કર્મચારીઓ ઉત્સાહપૂર્વક સહભાગી થયાં હતાં
આ કેમ્પમાં નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબહેન જાની, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી વિનોદ જોશી, નેવલ ઓફિસર અક્ષય ઠક્કર, ગીર સોમનાથ ઈન્ડિયન રેડક્રોસ ચેરમેન અતુલભાઈ કાનાબાર, ડો.સંજયભાઈ પરમાર સહિતના અગ્રણીઓ, એન.સી.સી.કેડેટ્સ, વિવિધ સમાજના પ્રમુખો, આગેવાનો સહિત વિવિધ એસોસિએશનના સભ્યો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ ઉપરાંત માતૃભૂમિનું ઋણ ચૂકવવાના અવસરમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, જિલ્લા શિક્ષણ અધિકારી એમ.પી.બોરિચા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અશોક પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.ચૌહાણ, ખેતીવાડી અધિકારી અશોક ચૌધરી તેમજ રેવન્યૂ વિભાગ, ખેતીવાડી, શિક્ષણ વિભાગ સહિત સરકારના અલગ-અલગ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક પોતાની સહભાગીદારી નોંધાવી હતી.