ત્રણેય ઝોનના 1006 બાંધકામો તોડી પડાશે, ઈમ્પેક્ટ અરજી રદ
વેસ્ટઝોનના નવા વિસ્તારોમાં સૌથી વધુ ગેરકાયદેસર બાંધકામો નિયમીત કરવા નિયમ વિરુદ્ધની અરજીઓ આવી
ઈમ્પેક્ટ ફીના કારણે ગેરકાયદેસર બાંધકામોને ટીપી વિભાગ 260ની અરજી આપતા અચકાઈ રહ્યું છે
રાજકોટ શહેરમાં ત્રણેય ઝોનલ વિસ્તારમાં વર્ષોથી ગેરકાયદેસરનું બાંધકામો ધમધમી રહ્યા છે. મનપાના ટીપી વિભાગ દ્વારા આપ્રકારના બાંધકામોની નોટીસ આપી ડિમોલેશન કરાતુ હોય છે અને સાથો સાથે અનેક બાંધકામો ભલામણ તેમજ ખિસ્સા ગરમ કરી બચી જતાં હોય છે. જેની જાણકારી સરકારે મેળવ્યાબાદ ઈમ્પેક્ટ ફી નિયમ અમલમાં મુક્યો છે.
જેનો લાભ નિયમ મુજબ મળવા પાત્ર છે. પરંતુ ઈમ્પેક્ટ ફી હેઠળ પણ ન આવે તેવા બાંધકામો ખડકી દેનાર અનેક લોકોએ આ પ્રકારના બાંધકામો નિયમીત કરવા માટે અરજી કરી હતી. જેમાંથી 1006 અરજીઓ નામંજુર થતાં હવે આ બાંધકામો ગેરકાયદેસર હોવાનું સાબિત થઈ ગયું છે. જેના લીધે ટુંક સમયમાં ટીપી વિભાગ આ તમામ બાંધકામોને 260ની નોટીસ પાઠવી ડિમોલેશનની કામગીરી હાથ ધરશે. તેમ જાણવા મળેલ છે.
શહેરી વિકાસ ગૃહ નિર્માણ વિભાગ દ્વારા તા. 17-10 2022થી રાજ્યમાં નિર્માણ પામેલા ગેરકાયદેસર બાંધકામોને નિયત ફી લઈ નિયમીત કરવાનો ઈમ્પેક્ટ ફી કાયદો અમલમા મુક્યો છે. જે અંતર્ગત મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગમાં તેમજ ઓનલાઈન અરજીઓનો ઢગલો થયો હતો. જેમાં મનપાના સેન્ટ્રલઝોન કચેરી ખાતે 4463 અરજી તથા ઈસ્ટઝોનમાં 1694 અરજી અને વેસ્ટઝોનમાંથી 6119 અરજીઓ આવી હતી. ઈમ્પેક્ટ ફીના નિયમો હેઠળ ગેરકાયદેસર બાધકામ કરેલ હોય ત્યારે પાર્કિંગની જગ્યા સહિતના નિયમો લાગુ પડે છે. પરંતુ મકાનના ફળિયા ઉપર રૂમ બનાવી લીધા હોય અથવા દુકાનોનું વધારાનું બાંધકામ માર્જીનનો ઉપયોગ કરી કરવામાં આવ્યું હોય તેવી વધુમાં વધુ અરજીઓ આવતા તમામ અરજીઓ નામંજુર કરવામાં આવી છે. જેના લીધે આ તમામ બાંધકામો ગેરકાયદેસર હોવાનું આસામીઓ દ્વારા જ જાહેર કરાયું હોય ટીપી વિભાગ દ્વારા તમામ બાંધકામોને તોડી પાડવા માટે પ્રથમ 260 અને ત્યાર બાદ 260/2ની નોટીસ આપી ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાશે તેમ જાણવા મળેલ છે.
ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ ત્રણેય ઝોનમાંથી કુલ 12276 ગેરકાયદેસર બાંધકામો નિયમીત કરવા માટેની અરજીઓ આવેલ હતી. જે અરજીની ચકાસણી કર્યા બાદ મિલ્કતના નક્સાઓ ન આપવા તેમજ અપુરતી વિગતો તથા નિયમ મુજબ પાર્કિંગ અને માર્જિનની જગ્યા ન બતાવી સહિતના કારણોસર મનપા દ્વારા 1006 અરજીઓ નામંજુર કરી આ બાંધકામો વિરુદ્ધ પગલા લેવા માટેની તૈયારીઓ આરંભી હોવાનું જાણવા મળેલ છે.
ઝોનવાઈઝ ગેરકાયદેસર બાંધકામો
ઈમ્પેક્ટ ફી કાયદા હેઠળ અત્યાર સુધીમાં મહાનગરપાલિકાની ત્રણેય ઝોનલ કચેરી ખાતે ગેરકાયદેસર બાંધકામો નિયમીત કરવા માટે કુલ 12276 અરજીઓ આવી છે. જેમાંથી 1006 અરજીઓ નામંજુર કરાઈ હોય આ તમામ બાંધકામો ગેરકાયદેસર હોવાનું સાબિત થયું છે. ઝોનવાઈઝ ગેરકાયદેસર બાંધકામોની યાદી મુજબ સેન્ટ્રલજોનમાં 1807 ગેરકાયદેસર બાંધકામો તથા ઈસ્ટઝોનમાં 429 ગેરકાયદેસર બાધકામો અને સૌથી વધુ વેસ્ટઝોનમાં 2247 ગેરકાયદેસર બાંધકામો જાહેર થયા છે. જેનું લીસ્ટ તૈયાર કરી આગળની કાર્યવાહી હાથ ધરાશે તેમ ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી જાણવા મળેલ છે.