1000 કરોડનો સુદર્શન બ્રિજ પ્રથમ ચોમાસે જ ધોવાયો
બેટ દ્વારકામાં પડેલા ભારે વરસાદના કારણે સુદર્શન બ્રિજમાં ગાબડાં પડયાં : જોઈન્ટ છૂટા પડી ગયા : રેલિંગ કટાઈ ગઈ : મેઘરાજએ ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી
સૌરાષ્ટ્રનાં સુપ્રસિધ્ધ યાત્રાધામ બેટ દ્વારકા ખાતે છ મહિના પહેલા જ એક હજારના કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવે સુદર્શન બ્રીજમાં પ્રથમ ચોમાસે જ ગાબડા પડી ગયા હતાં અને જોઈન્ટ છુટા પડયા ગયા છે. એૈટલું જ નહીં પરંતુ રેલીંગને પણ કાટ લાગી ગયો છે. મેઘરાજાએ ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે.
ભાજપ સરકારમાં વિકાસ હરણફાળ ગતિએ આગળ વધી રહ્યો છે પરંતુ વિકાસની આંધળી દોટમાં ભ્રષ્ટાચાર પણ બેફામ વકરી રહ્યો છે. ભાજપ સરકાર ભ્રષ્ટાચારે માજા મુકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન બેટ દ્વારકા દરિયા પર એક હજાર કરોડના ખર્ચે સિગ્નેચર બ્રીજ બનાવવામાં આવ્યો હતો જેનું છ માસ પહેલા જ વડાપ્રધાને ઉદઘાટન કરી સિગ્નેચર બ્રીજનું નામ સુદર્શન સેતુ બ્રીજ રાખવામાં આવ્યુ હતું.
બેટ દ્વારકા ખાતે દર વર્ષે ભારતભરમાંથી લાખો લોકો દર્શનાર્થે આવી રહ્યાં છે ત્યારે લોકોની સુખાકારી માટે બનાવવામાં આવેલા સુદર્શન બ્રીજના ભ્રષ્ટાચારની પ્રથમ ચોમાસે મેઘરાજાએ પોલ ખોલી નાખી છે. બેટ દ્વારકા અને દ્વારકા પંથમાં છેલ્લા છ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે સુદર્શન બ્રીજમાં મોટા ગાબડા પડી ગયા હતાં. એટલુ જ નહીં પરંતુ લોખંડના સળીયા પણ ઉપસીને બહાર આવી ગયા છે. આ ઉપરાંત બ્રીજના જોઈન્ટ પણ છુટા પડી ગયા હોવાનું જાણવા મળ્યું છે અને સુદર્શન બ્રીજની રેલીંગ પણ પહેલા જ વરસાદે કટાઈ ગઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ચોમાસાની શરૂઆતમાં જ સુદર્શન બ્રીજની પ્રોટેકશન દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી પરંતુ ભ્રષ્ટાચારને છુપાવવા માટે તાત્કાલીક પ્રોટેકશન દિવાલનું કામ કરી નાખવામાં આવ્યું હતું. પરંતુ સતત પાંચ દિવસથી પડી રહેલા વરસાદે બ્રીજમાં જ થયેલા ભ્રષ્ટાચારની પોલ ઉઘાડી કરી દીધી છે.