બાઇક ચાલકને બોલેરો નીચે કચડનાર સગા ભાઇને 10 વર્ષની જેલ
પત્નીના અનૈતિક સંબંધથી પિતાને જાણ કર્યાનો ખાર રાખી ઇરાદા પૂર્વક અકસ્માત સર્જનારને સાપરાધ મુનષ્યવધના ગુનમાં જેલમાં ધકેલાયો
રાજકોટમાં રૈયા ગામની સીમમાં સાત વર્ષ પહેલા પત્નીના આડા સબંધોની ફરીયાદ કર્યાનો ખાર રાખી બાઈક ચાલક નાના ભાઈને બોલેરોની ઠોકરે કચડી નાખવાના સાપરાધ મનુષ્યવધના કેસમાં કોર્ટે આરોપી મોટાભાઈને 10 વર્ષની સખ્ત કેદની સજા અને રૂૂ.10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટની ભાગોળે રૈયા ગામની સીમમાં પોતાની વાડીએ વાવેતર કરતા મુકેશભાઈ મોહનભાઈ રોજાસરાને તેમના ભાભીને ગામના દેવાભાઈ સાથે આડા સબંધો હોવાની જાણ થતાં એ અંગે પિતાને જણાવ્યું હતુ કે ભાભીની દીકરીના હાલમાં લગ્ન છે તેથી આવા સબંધો યોગ્ય ન કહેવાય તેવી ફરિયાદ કરી હતી. પત્નીના આડા સંબંધની વાત કર્યાનો ખાર રાખી આરોપી રાજુ ઉર્ફે રાજાભાઈ મોહનભાઈ રોજાસરાએ નાના ભાઈ મુકેશભાઈ રોજાસરાને તું કુટુંબની આબરૂૂને ઉછાળે છે તેમ કહી ઝઘડો કર્યો હતો.
બાદમાં તા. 5/07/2017 ના રોજ મુકેશભાઈ રોજાસરા પોતાની વાડીએ હતો. ત્યારે સમ્પમાંથી પાણી આવવાનું બંધ થતા તે પોતાનું મોટર સાયકલ લઈને કૂવા તરફ જઈ રહ્યો હતો. ત્યારે આરોપી મોટાભાઈ રાજુ રોજાસરાએ બોલેરો યુટીલીટી પુર ઝડપે ચલાવી મુકેશ રોજસરા પાછળ જતો હતો તે મુકેશની પત્ની જોઈ જતા પતિને ફોન કર્યો હતો. પરંતુ ફોન સ્વીચ ઓફ આવતા ફરીયાદી પત્ની દોડીને કૂવા તરફ ગઇ હતી. ત્યારે તેમના પતિ મુકેશ રોજાસરાની લાશ મોટર સાયકલની બાજુમાં પડી હતી અને મોટર સાયકલમાં ઘણુ બધુ નુકસાન થયું હતુ. આ કારણે ફરીયાદી પત્નીએ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી કે તેમના પતિનું અકસ્માત થયેલ નથી પરંતુ તેમના મોટા ભાઈ આરોપી રાજુ રોજાસરાએ ઈરાદા પૂર્વક બોલેરો હડફેટે કચડી નાખી મોત નિપજાવ્યુ છે.
ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો જે કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતા આરોપી પક્ષે બચાવ લેવામાં આવેલ કે લાશનું પોસ્ટમોર્ટમ કરનાર ડોકટરની ખૂદની જુબાની પ્રમાણે મૃતકનું મૃત્યુ વાહન અકસ્માતથી થઈ શકે તેમ હતુ, તેથી આરોપીને હત્યાના ગુન્હા સબબ તકસીરવાન ઠરાવી શકાય નહીં.
જ્યારે સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાએ રજુઆત કરી હતી કે ગ્રામ્ય વિસ્તારમાં જે જગ્યાએ અકસ્માત થયો છે તે રસ્તો કાચો અને સાંકડો હોવાથી ફોરવ્હીલ વાહન અતીશય સ્પીડમાં ચાલી શકે તેમ ન હોવા છતાં આરોપી ફુલ સ્પીડમાં ફોરવ્હીલ વાહન ચલાવીને મૃતકની પાછળ જઈ રહેલ હતા. તેથી આકસ્મીક રીતે આવો અકસ્માત થાય તે અશકય છે. આ ઉપરાંત આટલા સાંકડા રસ્તામાં અતીશય સ્પીડે વાહન ચલાવવા પાછળ કોઈનું ઈરાદાપૂર્વક મૃત્યુ નિપજાવવાનો જ ઉદ્દેશ હોઈ શકે.
આ કેસની ખાસીયત એ છે કે મોટાભાઈએ અતીશય સ્પીડમાં વાહન ચલાવી નાનાભાઈના મોટર સાયકલ સાથે પાછળથી ભટકાડેલ છે તે સાબીત કરે છે કે આવુ કૃત્ય અકસ્માત નહીં પરંતુ ઈરાદાપૂર્વકની હત્યા છે. આ ઉપરાંત આરોપી મોટો ભાઈ થતો હતો પરંતુ આ વિસ્તારમાં કાર લઈને આવવા માટેનો કોઈ ઉદ્દેશ સમગ્ર બચાવ દરમ્યાન લેવામાં આવેલ નથી. આ હકીકત પણ આરોપીનું ગુનાહિત માનસ સ્પષ્ટ કરે છે. સરકાર તરફેની આ રજુઆતને ગ્રાહ્ય રાખી પ્રિન્સીપાલ સેશન્સ જજ વી. બી. ગોહીલે આરોપી રાજુભાઈ ઉર્ફે રાજાભાઈ મોહનભાઈ રોજાસરાને સાપરાધ મનુષ્ય વધના ઈરાદાપૂર્વકના આચરેલ ગુન્હા સબબ 10 વર્ષની સખત કેદની સજા અને રૂૂ.0 હજારનો દંડ ફટકારતો છે.
આ કેસમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયા હતા.