સલાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત 10ને ધાતકી હુમલામાં 10 વર્ષ અને સામા પક્ષે ખૂન કેસમાં 9ને જન્મટીપ
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આજથી આશરે નવ વર્ષ પૂર્વે એક યુવાન પર કરવામાં આવેલા જીવલેણ હુમલા સંદર્ભે સલાયા નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ તેમજ આપનના વર્તમાન ઉમેદવાર સહિત 10 શખ્સોને ખંભાળિયાની સેશન્સ અદાલતે દસ વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે. આ તકરારમાં ક્રોસ ફરિયાદમાં મહિલાઓ સહિત નવ આરોપીઓને અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે.
આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ગત તારીખ 13 ડિસેમ્બર 2016 ના રોજ સિદ્દીકભાઈ આદમભાઈ જસરાયા નામના યુવાન સાથે થયેલા ઝઘડામાં તેમને મારી નાખવાના ઈરાદાથી જીવલેણ હુમલો થયો હતો. આ પ્રકરણમાં સામસામા પક્ષે સલાયા મરીન પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ થઈ હતી. જેમાં આઈ.પી.સી. કલમ 307 વિગેરે મુજબ સલાયામાં જકાતનાકા પાસે રહેતા અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા સાલેમામદ કરીમ ભગાડ ઉર્ફે સાલુ પટેલ, અસલમ સાલેમામદ કરીમ ભગાડ, સબીર દાઉદ ભગાડ, જાવીદ દાઉદ ભગાડ, અકબર હારુન ભગાડ, બસીર દાઉદ ભગાડ, જાહીર સાલેમામદ કરીમ ભગાડ, અજીજ અબ્દુલ ભગાડ, ફારૂૂક અબ્દુલભાઈ ભગાડ અને આબીદ અબ્દુલભાઈ ભગાડ નામના કુલ દસ શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધવામાં આવી હતી.
આ સંદર્ભે તપાસનીસ અધિકારી દ્વારા કરવામાં આવેલી ધોરણસર કાર્યવાહી બાદ અહીંની અદાલતમાં ચાર્જસીટ દાખલ કરવામાં આવ્યું હતું. આ અંગેનો કેસ ખંભાળિયાની પ્રિન્સિપલ સેશન્સ જજ એસ.વી. વ્યાસની અદાલતમાં ચાલી જતા નામદાર અદાલતે ઉપરોક્ત આરોપીઓને તકસીરવાન ઠેરવી, 10 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ ભગીરથસિંહ એસ. જાડેજા દ્વારા દલીલો કરવામાં આવી હતી.
આ કેસમાં બોલાચાલી તેમજ મારામારી કરી અને અબ્દુલ બચુ ભગાડ નામના યુવાનને એક્સ.યુ.વી. મોટરકારની ઠોકર મારીને તેમનું મોત નીપજાવવા સબબ સલાયા મરીન પોલીસે સામાપક્ષે પણ ક્રોસ ફરિયાદ નોંધી હતી. જે અંગે કોર્ટ કાર્યવાહી બાદ સરકારી વકીલ કમલેશભાઈ ચંપકલાલ દવે દ્વારા અહીંના પ્રિન્સિપાલ સેશન્સ જજ સમક્ષ કરવામાં આવેલી દલીલોને ધ્યાનમાં લઈને આઈ.પી સી. કલમ 302 વિગેરે હેઠળ આરોપી એવા સલાયામાં બંદર રોડ વિસ્તારમાં રહેતા નજીર આદમ જસરાયા, હારુન આદમ જસરાયા, જુબેર આદમ જસરાયા, નુરમામદ હુસેન જસરાયા, ઉમર હજીસુમાર જસરાયા, તળાવની પાળ પાસે રહેતા ખતીજાબેન અખતર કાસમ સંઘાર, ખારી વિસ્તારમાં રહેતા સુગરાબેન હુસેન ઉમર સંઘાર, બંદર રોડ વિસ્તારમાં રહેતા સીદીક આદમ જસરાયા અને સબીર આદમ જસરાયા નામના કુલ નવ શખ્સોને તકસીરવાન ઠેરવીને આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો. આ સમગ્ર બાબતે નાના એવા સલાયા ગામમાં ભારે ચર્ચા જગાવી છે.