બગસરા-ગોંડલ-ધારીમાં 1॥થી 4 ઈંચ વરસાદ
અમરેલી જિલ્લામાં શુક્રવારે સવારથી મેઘ રાજાના મંડાણ થયા હતા અને અડધા ઈચથી માંડીને 4 ઈંચ સુધી વરસાદ પડી ગયો હતો. બગસરામાં વહેલી સવારે બે કલાકમા 4 ઈંચ વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા., ગોંડલના વાસાવડમા બે ઈંચ, ધારી વિસ્તારમાં દોઢ ઈંચ અને અમરેલીમાં અડધો ઈંચ, ખાંભા ગ્રામ્યમા ધોધમાર વરસાદ પડી ગયો હતો. ધારી ડેમ ફરીથી છલકાતા બે દરવાજા ખોલાયા છે. ધારીના કુબડામાં વીજળી પડતા એક ભેંસનું મોત થયુ છે. શેત્રુજી, માલણ, રૂૂપેણ,પીલુડી નદીમાં પૂર આવ્યું હતુ.
અમરેલી શહેર અને જિલ્લાના જુદા-જુદા વિસ્તારમાં સવારથી જ મેઘાવી માહોલ શરુ થયો હતો. બગસરા શહેરમાં સવારે આઠેક વગ્યાથી ધોધમાર વરસાદ શરુ થયો હતો અને ધોધમાર 4 ઈંચ વરસાદ પડી ગયો હતો. ભારે વરસાદના કારણે બગસરા શહેરના કુંકાવાવ નાકા, શાક માર્કેટ વિસ્તાર, હોસ્પિટલ રોડ, એસટી બસ સ્ટેશન રોડ વાળો માગ પસહિતના વિસ્તારમાં ગોઠણ સુધી પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાવાથી લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. પાલિકા દ્વારા પાણીના નિકાલ માટે વ્યવસ્થા શરુ કરવામાં આવી હતી. ધારી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો દલખાણીયા, ચાંચઈ, પાણીયા, ગીગાસણ, બોરડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી ગયો હતો. તાલુકા મથક ધારીમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો.
સવારે 7:30 વાગ્યાથી જ ધારીમાં મેઘસવારી શરુ થઈ હતી. વરસાદના કારણે ધારીની અને જિલ્લાની સૌથી મોટી શેત્રુંજી નદીમાં પૂર આવ્યું હતું. ફરી એક વખત ખોડિયાર ડેમ છલકાઈ જતા તેના બે દરવાજાઓ ખોલવામાં આવ્યા હતા. બે દરવાજા એક એક ફૂટ સુધી ખોલવાના કારણે અમરેલી જિલ્લાના પાંચ તાલુકાઓના 34 તથા ભાવનગર જિલ્લાના બે તાલુકાના 12 ગામો મળીને કુલ 46 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને નદીના પટમાં ન જવા માટે સૂચના જાહેર કરવામાં આવી છે.ધારીના કુબડા ગામે રાણાભાઈ દુદાભાઈ કુકડની ભેંસ ઉપર વીજળી પડતા મોત થયુ હતુ.ખાંભાના કંટાળા, ધુંધવાણા, ખડાધાર, પચપચિયા, ગીદરડી, પાણીયા, જામકા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમરેલી શહેરમાં પણ સવારથી જ ધીમીધારે મેઘ સવારી શરૂ થઈ છે.
ભાવનગર જિલ્લામાં હળવા -ભારે ઝાપટા થી લઈ અડધાથી એક ઇંચ વરસાદ પડ્યો છે. ગોહિલવાડ પંથકમાં વરસાદી માહોલ યથાવત કયો છે. જિલ્લાના ઉમરાળામાં એક ઇંચ ,ઘોઘામાં પોણો ઇંચ, ગારીયાધાર, પાલીતાણા અને ભાવનગર શહેરમાં અડધો અડધો ઈંચ વરસાદ પડ્યો છે.
જ્યારે અન્ય તાલુકામાં ઝાપટા વરસી ગયા છે. આજે સવારે 6 વાગે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ભાવનગર જિલ્લાના વલભીપુરમાં 2 મી.મી. ઉમરાળામાં 29 મી.મી. ભાવનગર શહેરમાં 10 મી.મી.ઘોઘામાં 17 મી.મી., સિહોરમાં 2મી.મી. ગારીયાધારમાં 15 મી.મી. પાલીતાણામાં15 મી.મી., તળાજામાં 5 મી.મી. અને જેસરમાં 2 મી.મી વરસાદ નોંધાયો છે.
ગોંડલ તાલુકા નાં વાસાવડ માં વહેલી સવાર થી ધીમી ધારે વરસાદ વરસવો શરુ થયો હતો.સાંજ સુધી મા બે ઇંચ વરસાદ નોંધાયો છે.આસપાસ નાં કેશવાળા, ધરાળા, રાવણા, મોટી ખીલોરી અને પાટ ખીલોરી માં એક થી દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે.થોડા વિરામ બાદ વરસાદ વરસતા ખેડુતો માં ખુશાલી છવાઈ છે. અને મોલાત ને રાહત મળી છે.