1થી 1॥ ઈંચ વરસાદમાં રાજકોટ હાંફી ગયું
અણધાર્યા વરસાદે મનપાની ઉંઘ ઉડાડી, ઘરોમાં પાણી ઘુસવા સહિતની ફરિયાદોનો ઢગલો
રાજકોટ શહેરમાં ગઈકાલે સાંજે અચાનક ધોધમાર દોઢ ઈંચ જેટલો વરસાદ વરસી જતાં પ્રીમોનસુન કામગીરીની પોલ ખુલી થઈ ગઈ હતી. સતત 30 મીનીટ વરસેલા વરસાદે શહેરને જળબંબાકાર કરી દેતા સીવીક સેન્ટરમાં ઘરમાં પાણી ઘુસવાની અને સોસાયટીઓમાં પાણી ભરાવા તેમજ વૃક્ષો પડવા સહિતની ફરિયાદોનો ઢગલો થયો હતો. પ્રથમ વરસાદે જ ગવલીવાડ વિસ્તારમાં 50થી વધુ ઘરોમાં પાણી ઘુસી જતાં તંત્રને પરસેવો વળી ગયો હતો. અને માવઠાના વાતાવરણમાં મુસળધાર વરસાદ વરસતા તંત્રની ઉંઘ ઉડાડી દીધી હતી ફરિયાદોના નિવારણ માટે ફાયર વિભાગ સહિતનો સ્ટાફ સતત દોડતો નજરે પડ્યો હતો. શહેરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાદળછાયુ વાતાવરણ જોવા મળતું હતું. પરંતુ વરસાદ ન પડતા ભારે બફારાનો સામનો લોકો કરી રહ્યા હતાં. ત્યારે જ શહેરમાં ગઈકાલે સાંજે કાળાડીબાંગ વાદળો છવાઈ ગયા બાદ અચાનક જોરદાર વરસાદ તુટી પડ્યો હતો.
સતત 30 મીનીટ સુધી વરસેલા વરસાદે શહેરને ફરી એકવખત જળબંબાકાર કરી દેતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. 30 મીનીટ વરસેલા વરસાદે ઈસ્ટઝોનમાં 39.76 મીમી, વેસ્ટઝોનમાં 26.53 મીમી અને સેન્ટ્રલઝોનમાં 27.55 મીમી પાણી વરસાવતા કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, 150 ફૂટ રીંગ રોડ પરના મોટાભાગના સર્કલો તેમજ સોસાયટીઓ અને નિચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અનેક સોસાયટીઓમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી જતાં મનપામાં ફક્ત 1 કલાકમાં 200થી વધુ ફરિયાદો થયાનું જાણવા મળેલ છે. ભારે વરસાદના કારણે જનજીવનને અસર પડી હતી જેની સામે લોકોને બફારામાં રાહત થઈ હોવાનું પણ અનેક લોકોએ જણાવ્યું હતું.
નૈઋત્યનું ચોમાસુ બેસવાની હજુ વાર છે જેના લીધે મહાનગરપાલિકાએ પ્રીમોન્સુન કામગીરી માટે તાજેતરમાં જ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને આ અનુસંધાને વોકળા તેમજ સ્ટ્રોમવોટર સફાઈનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.
પરંતુ ગઈકાલે મુસળધાર વરસાદ વરસતા પ્રીમોન્સુન કામગીરી પહેલા જ પાણીના પ્રવાહે જળબંબાકારની સ્થિતિ સર્જી હતી. જેના લીધે ફાયર વિભાગ મોડી રાત સુધી કામગીરીમાં વ્યસ્ત થઈ ગયો હતો. કાલે વરસેલા વરસાદના પગલે વગર સોમાસે સિઝનનો કુલ વરસાદ ત્રણ ઈંચને પાર થઈ ગયો છે.
મોસમનો કુલ વરસાદ ત્રણ ઈંચને પાર
શહેરમાં છેલ્લા એક સપ્તાહથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝાપટા પડી રહ્યા હતા જેમાં ગઈકાલે સાંજે મુસળધાર દોઢ ઈંચ વરસાદ વરસી જતાં ગઈકાલે ઈસ્ટઝોનમાં 39.76 મીમી, વેસ્ટઝોનમાં 26.53 મીમી અનેસેન્ટ્રલઝોનમાં 27.55 મીમી વરસાદ વરસી જતાં કુલ વરસાદ 76 મીમીને પાર થઈ જતાં ચોમાસા પહેલા જ સીઝનનો કુલ વરસાદ 3 ઈંચને પાર થઈ ગયો છે અને હજુ પણ વરસાદની આગાહી હોય આજે બપોર પછી વરસાદ તુટી પડેતેવી સંભાવના જોવાઈ રહી છે.
વિજળી ગુલ થતાં અનેક વિસ્તારોમાં અંધારપટ્ટ
રાજકોટ શહેરમાં વરસાદ દરમિયાન વિજ પુરવઠો ખોરવાઈ જવાની ઘટના વર્ષો જૂની થઈ ચુકી છે. પીજીવીસીએલ દ્વારા ગમે તેટલી આધુનિક પદ્ધતિ અપનાવામાં આવે પરંતુ જ્યાં સુધી વીજપોલ મારફતે વિજ પુરવઠો અપાય છે. ત્યાં સુધી વીજ પુરવઠો ખોરવાઈ જવાની ઘટનાઓ લગાતાર ચાલુ રહેવા પામી છે. ગઈકાલે સાંજે દોઢ ઈંચ વરસાદ વરસ્યાબાદ મોડી રાત સુધી ઝાપટા ચાલુ રહ્યા હતાં. તેના લીધે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાની ઘટના અને ફરિયાદો ઉઠતા પીજીવીસીએલની ગાડીઓ સતત દોડતી નજરે પડી હતી.
ગવલીવાડમાં 50 ઘરોમાં પાણી ઘુસ્યા
રાજકોટ શહેરમાં માત્ર દોઢ ઈંચ વરસાદથી શહેર જળબંબાકાર બની ગયું હતું. જેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાતા અનેકના ઘરોમાં પાણી ઘુસી ગયા હતાં. જેમાં દર વર્ષની માફક ગવલીવાડ વિસ્તારમાં પણ ગોઠણડુબ પાણી ભરાતા ગવલીવાડ મેઈન રોડ અને શેરી નં. 1-2 માં આજે 50થી વધુ લોકોના ઘરમાં પાણી ઘુસી જતાં ઘરમાં રાખેલી ઘરવખરીને ભારે નુક્શાન પહોંચ્યુ હતું. અને આ મુદદ્દે તંત્રની ઘોરબેદરકારી હોવાની ફરિયાદો લોકો દ્વારા કરવામાં આવી હતી.
કરોડોની સ્ટ્રોમવોટર યોજના ધણીધોરી વગરની
મહાનગરપાલિકા છેલ્લા અમુક વર્ષોથી શહેરમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો વધુ ભરાવોથતો હોય તેવા વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે સ્ટ્રોમવોટર યોજના બનાવી રહી છે. અને આ અંતર્ગત પાણીનો નિકાલ ન થઈ શકતો હોય અને ઉપરથી વધુ પાણીનો પ્રવાહ આવતો હોય તેવા વિસ્તારોમાં સ્ટ્રોમવોટર યોજના તૈયાર કરી છે. પરંતુ વરસાદી પાણીની સાથો સાથ કચરો પણ સ્ટ્રોમ વોટર યોજનામાં પસાર થતાં ચોમાસા બાદ મોટાભાગની સ્ટ્રોમવોટર ચોકઅપ થઈ જતીહોય છે. છતાં તંત્ર દ્વારા ક્યારેય જાળીઓ ખોલી સફાઈકામગીરી હાથ ધરાઈ નથી. જેના લીધે ગઈકાલે વરસેલા દોઢ ઈંચ વરસાદે સ્ટ્રોમવોટર યોજના પર પાણી ફેરવી દીધું હતું. અનેક વિસ્તારોમાં સ્ટ્રોમવોટરની જાળી ઉપરથી પાણીનો પ્રવાહ પસાર થતો જોવા મળ્યો હતો. જેના લીધે મનપાનું સ્ટ્રોમવોટર યોજનાનો કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો હોવાનું લોકો કહી રહ્યા હતાં.
પ્રહલાદપ્લોટમાં ઘટાટોપ વૃક્ષ ધરાશાયી
ગઈકાલે દોઢ ઈંચ વરસાદ વરસવાની સાથે ભારે પવન ફુંકાતા પ્રહલાદ પ્લોટમાં વરસો જુનું એક તોતીંગ વૃક્ષ ધરાષાયી થયું હતું. વરસાદના પગલે લોકોની અવર જવર ન હોવાથી જાનહાની તેમજ નુક્શાની ટળી હતી. જેની સામે ફાયર વિભાગમાં પણ અનેક સ્થળોએ વૃક્ષની ડાળીઓ તુટી હોવાની ફરિયાદો નોંધાતા ફાયર વિભાગે ફરિયાદોના પગલે ડાળીઓ અને વૃક્ષ હટાવવાની ત્વરીત કામગીરી હાત ધરી હતી.