કોડીનાર-સૂત્રાપાડા હાઇવે પર ધામળેજ બંદરને જોડતા રસ્તા પરથી રૂા.1 કરોડની જમીન ખુલ્લી કરાઇ
જિલ્લા કલેકટરે ધાળેજમાં ગ્રામસભા યોજી
ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ગત તા.8-7-2024 ના રોજ સાંજે જિલ્લા કક્ષાના લીયન વિભાગના વડાઓ સાથે સૂત્રાપાડા તાલુકાના ધામળેજ ગામના લોકો સાથે ગ્રામસભા યોજી હતી. જેમાં ગ્રામજનો દ્વારા સામૂહિક જાહેરહિતના પ્રશ્નો કલેકટર સમક્ષ રજૂ કરવામાં આવ્યાં હતા. આ પ્રશ્નો પરત્વે કલેક્ટર દ્વારા લગતા વિભાગના વડાઓને રૂૂબરૂૂ સૂચના આપી તાત્કાલિક પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવા સૂચના આપવામાં આવી હતી.
ગ્રામજનો દ્વારા રજૂ થયેલ જાહેર હિતના પ્રશ્નોમાં મુખ્યત્વે સ્વચ્છતા, ગૌચરની તથા સરકારી જમીનોમાં દબાણ, રોડ રસ્તા ઉપરના દબાણો, અનિયમિત વીજ પુરવઠાને લગતા પ્રશ્નો તેમજ વાડી વિસ્તારના રસ્તામાં દબાણને લગતી રજૂઆતો મળી હતી. ગામના સ્વચ્છતા અંગેના પ્રશ્નો અંગે કલેક્ટર દ્વારા અગ્રતાના ધોરણે સૂત્રાપાડા તથા કોડિનાર નગરપાલિકાની સફાઈ કર્મચારીઓની ટીમને ધામળેજ ગામ ખાતે હાજર રાખી સ્વચ્છતા અભિયાન હાથ ધરી જે.સી.બી. ટ્રેક્ટર વગેરે સાધનો સાથે રાખી ગામના જાહેર માર્ગો, જાહેર જગ્યાઓ પર આવેલ ઉકરડા, ગંદકી વગેરે દૂર કરવામાં આવી હતી. આ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેવાની છે.
તેમજ કલેક્ટર દ્વારા ગઈકાલની ગ્રામ સભામાં ગેરકાયદેસર ધોરણે દબાણો દૂર કરવા અંગે સ્વેચ્છાએ સહયોગ આપવા અપીલ કરતા ગ્રામજનો દ્વારા આજ રોજ કોડિનાર - સૂત્રાપાડા સ્ટેટ હાઇવે રોડ પર તથા ધામળેજ બંદરને જોડતાં રસ્તા પરના ટ્રાફિકને અડચણરૂૂપ દબાણો સ્વેચ્છાએ લોકોના સહયોગથી દૂર કરવાની કામગીરી શરૂૂ કરવામાં આવી હતી.જેમાં અંદાજિત 20,000 ચોરસ ફૂટ જમીન જેની આશરે કિમત 1 કરોડ જેટલી થવા જાય છે. જેને ખુલ્લી કરવામાં આવી હતી. આ ઉપરાંત, બોસનના પા તરીકે ઓળખાતો વાડી વિસ્તારનો આશરે 1.5 કિ.મી. સસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડને ધામળેજ ગામમાં મોટા પ્રમાણમાં લાઈન લોસ આવતો હોવાથી કલેક્ટર દ્વારા જે લોકો પાસે વીજ જોડાણ ન હોય તેમને નવું વીજ જોડાણ મેળવી લેવા અપીલ કરવામાં આવી હતી. તેના અનુસંધાને આજરોજ ધામળેજ ગામ ખાતે નવા વીજ જોડાણ અંગે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન ધામળેજ ગામના લોકો દુકાનધારકો દ્વારા સ્વેચ્છાએ વહીવટી તંત્રને સંપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો.