રિલાયન્સ મોલમાં ટ્રેનરને ક્રેડિટ કાર્ડમાંથી નાણાં ઉપાડી આપવાનું કહી 1.65 લાખની ઠગાઈ
ચાર ક્રેડિટ કાર્ડમાંથી નાણાં ટ્રાન્સફર કરાવી પરત નહીં આપી બહાના બતાવ્યા,ચીટર સામે છેતરપિંડીની ત્રીજી ફરિયાદ
શહેરના અંબાજી કડવા પ્લોટમાં રહેતા અને રિલાયન્સ મોલમાં સ્ટાફને તાલીમ આપવા માટે ટ્રેનર તરીકે ફરજ બજાવતાં કર્મચારી સાથે ગઠીયાએ ક્રેડીટ કાર્ડમાંથી નાણા ઉપાડવાનું કહી રૂા.1.65 લાખની છેતરપીંડી કરતાં આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ ગઠીયા સામે ત્રીજી ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.
શહેરના 150 ફુટ રીંગ રોડ પર આવેલા અયોધ્યા ચોક પાસેના રિલાયન્સ ટ્રેન્ડ મોલમાં નોકરી કરતાં અને સ્ટાફને તાલીમ માટે ટ્રેનર તરીકે કામ કરતાં મયુરરાજ લાલજીભાઈ વાઘેલા (ઉ.29)ની ફરિયાદનાં આધારે હર્ષ સોમૈયા સામે ગુનો નોંધાયો છે. મયુરરાજે ફરિયાદમાં જણાવ્યા મુજબ મયુરરાજ સાથે અગાઉ ટ્રેન્ડ મોલમાં નોકરી કરતાં તેના મિત્ર ધિરેન મારફતે હર્ષ સોમૈયાનો સંપર્ક થયો હતો. જે ક્રેડીટ કાર્ડમાંથી રોકડા રૂપિયા ઉપાડી બે થી ત્રણ ટકા કમીશન લે છે તેમ જણાવ્યું હતું. જેથી હર્ષ સોમૈયાને રૂબરૂ વાતચીત માટે બોલાવ્યો હતો અને 150 ફુટ રીંગ રોડ પર અયોધ્યા ચોક પાસેના ટ્રેન્ડ મોલ પાસેની ચાની હોટલે ત્રણેય મિત્રો ભેગા થયા હતાં.
હર્ષ સોમૈયાએ મયુરરાજને તેના ક્રેડીટ કાર્ડમાંથી રૂપિયા ટ્રાન્સફર કરી રોકડા પરત આપી દઈ તેમાં અઢી ટકા કમિશન લઈ તેમ વાત કરી હતી. મયુરરાજ પાસે કોટક બેંક, ઈન્ડસ્ટલેન્ડ બેંક, એચડીએફસી તથા વન કાર્ડ કંપનીના ચાર ક્રેડીટ કાર્ડ હતાં જે હર્ષ સોમૈયાએ તેની પાસે રહેલા મશીનમાં સ્વેપ કરી ક્રેડીટ કાર્ડમાંથી પૈસા ટ્રાન્સફર કર્યા હતાં અને મયુરરાજના મોબાઈલમાં આવેલા ઓટીપી હર્ષ સોમૈયાને આપ્યા હતાં.
હર્ષે કોટક બેંકના કાર્ડમાંથી 3200, ઈન્ડસ્ટલેન્ડ બેંકના ક્રેડીટમાંથી 11600, એચડીએફસીમાં 60,000 અને વન કાર્ડ ક્રેડીટ કાર્ડમાંથી 50,000 મળી રૂપિયા 1.24 લાખ ટ્રાન્સફર કર્યા હતાં અને હર્ષે બે કલાકમાં રોકડા રૂપિયા આપી દઈશ તેમ કહ્યું હતું. બીજા દિવસે હર્ષ સોમૈયાએ મયુરરાજને વધારે રૂપિયાની જરૂર હોય તો હજુ ટ્રાન્સફર કરી આપું તેમ કહેતા વન કાર્ડ ક્રેડીટ કાર્ડમાંથી રૂા.40,900 ટ્રાન્સફર કર્યા હતાં અને બાદમાં હર્ષે રોકડા રૂપિયા નહીં આપી ફોન બંધ કરી દીધો હતો. બાદમાં મિત્ર ધીરેનને આ બાબતે વાત કરતાં તેણે હર્ષ પાસેથી પેમેન્ટ અપાવી દેશે તેવી ખાતરી આપી હતી. બાદમાં હર્ષેૈ ફોન ઉપર જવાબ નહીં આપી રકમ પણ પરત નહીં આપતાં અંતે આ મામલે ફરિયાદ નોંધાવી છે.
હર્ષ સોમૈયા સામે અગાઉ ભક્તિનગર પોલીસ મથકમાં રૂા.1.77 લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. તેમજ તાલુકા પોલીસ સ્ટેશનમાં દિલીપભાઈ સહિતના ચાર મિત્રો સાથે પણ હર્ષે રૂા.23 લાખની છેતરપીંડી કરી હોય જેની પણ પોલીસ ફરિયાદ નોંધાઈ હોય આ મામલે હર્ષ સામે વધુ એક ગુનો નોંધાયો છે.