પોર્ટલના માધ્યમથી 1.25 લાખના ચોરાઉ મોબાઇલ શોધી માલિકને પરત કરતી પોલીસ
રાજકોટ શહેરમાં ચોરી કે ગુમ મોબાઈલ શોધી કાઢવા માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશનર વિધી ચૌધરી, ઈન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર પુજા યાદવ (ઝોન-1), મદદનીશ પોલીસ કમિશનર બી.વી.જાધવની સુચના અનુસાર રાજકોટ જિલ્લામાં પરિણામલક્ષી કામગીરી થઈ રહી છે, ત્યારે થોરાળા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર બી.એમ. ઝણકાટના માર્ગદર્શન હેઠળ થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ મોબાઈલ ફોન ટેકનિકલ સોર્સના આધારે પોલીસ સબ ઈન્સ્પેક્ટર પી.એમ.રાઠવા તથા સાયબર ક્રાઈમ ડિટેક્શન ટીમના પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ વાળા તથા રાકેશભાઈ બાલાસરા સહિતના પોલીસકર્મીઓએ સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજીસ્ટર પોર્ટલ થકી સતત મોનીટરીંગ કરી આવા ગુમ/ચોરાયેલ મોબાઈલ ફોનને ટ્રેકીંગમાં મુકી મોબાઈલ ફોન ટ્રેશ કરી છેલ્લા એક માસમાં અંદાજિત રૂ.1,25,000/- ની કિંમતના કુલ 07 મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત કરી સચોટ કામગીરી કરી હતી.કેન્દ્ર સરકાર દ્વારા ખોવાયેલો મોબાઈલ સરળતાથી ટ્રેક કરી શકાય તે માટે નવી મોબાઈલ ટ્રેકિંગ સિસ્ટમ સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટર પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પોર્ટલના માધ્યમથી જો તમારો ફોન ખોવાઈ જાય કે ચોરી થઈ જાય તો, તુરંત આ વેબસાઈટ પર જઈને તમે ફરિયાદ નોંધાવી શકો છો, ત્યારબાદ તમારો ફોન બ્લોક થઈ જશે. ઉપરાંત જો ચોર તમારું સિમકાર્ડ કાઢી અન્ય સિમકાર્ડ નાખશે તો પણ તમારો ફોન બ્લોક થઈ જશે અને ચોર નવા સિમકાર્ડનો ઉપયોગ નહીં કરી શકે. સ્માર્ટફોન યુઝર્સ સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટર વેબસાઈટ અથવા નો યોર મોબાઈલ એપ દ્વારા ખોવાયેલો મોબાઈલ બ્લોક કરી શકે છે. જ્યારે મોબાઈલ પરત મળી જાય ત્યારે યુઝર્સ તેનો મોબાઈલ અનબ્લોક પણ કરી શકે છે. મોબાઈલ બ્લોક કરાવ્યા બાદ સરકાર ઈઊઈંછ પોર્ટલના આધારે ફોનને ટ્રેક કરે છે અને તે ચોરાયેલા મોબાઈલને શોધવાનો પ્રયાસ કરે છે.