મવડી- કણકોટ રોડ શ્યામ પાર્ટી પ્લોટમાં રેઢી પડેલી કારમાંથી 1.16 લાખની ચોરી
લગ્ન ગાળો ધુમ મચાવી રહ્યો છે ત્યારે લગ્નની સીઝનમાં ચોર, ગઠીયા ગેંગ પણ ઉતરી પડી છે. જેમાં મવડી કણકોટ રોડ પર આવેલ શ્યામ પાર્ટી પ્લોટમાં ભત્રીજીના લગ્નમાં આવેલા શાપર- વેરાવળના મેનેજરની કારના કાચ તોડી તસ્કર ગેંગ પાછલી સીટમાં રાખેલ સોનાના દાગીના અને રોકડ રકમ સાથેનું પર્સ ઉઠાવી ગયાની તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાતા પોલીસે સીસી ટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ શાપર- વેરાવળ ગ્રામ પંચાયત પાસે રહેતા પ્રશાંતભાઇ મુકેશભાઇ કોરાટ (ઉ.27) નામના પટેલ યુવાને તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અજાણ્યા ચોર ગઠીયાનું નામ આપ્યું છે.
પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે પટેલ યુવાન શાપર- વેરાવળ ખાતે આવેલ ઘનશ્યામ એન્જીનીયરીંગ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ગત તા.26/1/24ના પોતાના પિતરાઇ ભાઇની દિકરીના કણકોટ, મવડી રોડ પર આવેલ શ્યામ પાર્ટી પ્લોટ ખાતે લગ્ન યોજાયા હતા.
કૌટુંમ્બીક ભત્રીજીના લગ્નમાં ફરીયાદી સહ પરિવાર કાર લઇને સાંજે લગ્ન પ્રસંગમાં પહોંચ્યા હતા અને કાર પાર્કિંગમાં રાખી લગ્ન પ્રસંગમાં ગયા હતા ત્યારે રેઢી પડેલી કારના પાછળનો કાચ તોડી તસ્કરો પાછળની સીટમાં મુકેલ ફરીયાદીની પત્નીનું લેડીઝ પર્સ જેમાન 60 હજારની કિંમતનું 14 ગ્રામનું ડાયમંડવાળુ સોનાનું કડુ તેમજ 11 ગ્રામની 44000ની કિંમતની સોનાની માળા અને 12000ની રોકડ મળી કુલ 1,16,000ની માલમતા ઉઠાવી ગયા હતા.
આ બનાવની અઠવાડીયા બાદ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સીસી ટીવી ફુટેજના આધારે તસ્કર ગેંગની શોધખોળ હાથ ધરી છે.