રાજકોટમાં ચાંદીના વેપારી સાથે 1.12 કરોડની છેતરપિંડી
પેઢીમાં નોકરી કરતા કર્મચારીએ બારોબાર 320 કિલો ચાંદી ફૂંકી મારી, છ વેપારી કર્મચારી સામે ગુનો
રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં આવકાર સિલ્વર નામની પેઢી ધરાવતા ચાંદીના વેપારી સાથે રૂા.1.12 કરોડની છેતરપીંડી થતા ફરિયાદ નોંધાવી છે. પેઢીમાં કામ કરતા કર્મચારીએ એક વર્ષમાં 320 કીલો ચાંદી અન્ય છ વેપારીને વેંચવા માટે આપી દેતા આ મામલે વેપારીને જાણ થતા કર્મચારીએ ચાંદી અથવા રૂપિયા પરત આપવાનો વાયદો કરી નહીં આપતા આ મામલે થોરાળા પોલીસમાં કર્મચારી સહિત સાત વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
મળતી વિગતો મુજબ, રાજકોટના સંતકબીર રોડ પર સરદાર સ્કૂલની પાછળ શક્તિ સોસાયટીમાં રહેતા અને સંતકબીર રોડ પર આવકાર સિલ્વર નામે પેઢી ધરાવતા અલ્પેશભાઇ ઉર્ફે બાબાલાલ ગંગદાસભાઇ ડોડીયાના આધારે તેના પેઢીના કર્મચારી દેવાંગ દીલીપભાઇ ગોદડકા, સોનીયો બેલદાર, સતીષ જયસુખભાઇ ડોડીયા, સાહીલ રાજેશભાઇ પરમાર, કિશન દિનેશભાઇ પરમાર, હાર્દીક ડોડીયા, યોગેશ તેમજ તપાસમાં ખુલ્લે તમામ સામે ફરિયાદ નોંધાવતા થોરાળા પોલીસે ગુનો નોંધ્યો છે.
અલ્પેશભાઇએ ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમની પેઢીમાં કામ કરતો દેવાં દીલીપભાઇ ગોદડકા આવકાર સિલ્વરમાંથી ગત તા.1/6/2023થી 1/6/2024 સુધી અલગ-અલગ સમયે રૂપિયા એક કરોડ બાર લાખ કિંમતની 320 કીલો ચાંદી ઉચ્ચાપત કરી હોય જે અંગે પેઢીના માલિક અલ્પેશભાઇને જાણ થતા પૂછપરછ કરતા દેવાંગે એક વર્ષ દરમિયાન પેઢીમાંથી ચાંદીના દાગીના બનાવવા માટે આવતું ચાંદી સોનીયો બેલદાર, સતીષ જયસુખભાઇ ડોડીયા, સાહીલ રાજેશભાઇ પરમાર, કિશન દિનેશભાઇ પરમાર, હાર્દીક ડોડીયા, યોગેશને વેંચાણ અર્થે આપી દીધી હતી. આ અંગે અલ્પેશભાઇએ ચોરાઉ ચાંદી ખરીદનાર વેપારીઓનો પણ સંપર્ક કર્યો હતો.
પેઢીમાંથી 320 કીલો ચાંદી ઉચાપત કરી જનાર દેવાંગ તેમજ અન્ય વેપારીઓએ આ ચાંદી અથવા તેને બદલે જે રૂપિયા થતા હોય તે પરત આપી દેશું તેવો વાયદો ર્ક્યો હતો. છતાં આ ચાંદી પરત નહીં આપતા આ 320 કિલો દાંગીના જેમાં 100 ટચના 160 કીલો ચાંદીના દાગીના હોય જેની હાલની 70 હજાર લેખે 160 કીલોના 1.12 કરોડની છેતરપીંડી ર્ક્યોની ફરિયાદ નોંધાતા વધુ તપાસ શરૂ કરી છે.
પેઢીના બે કર્મચારીઓએ જ દેવાંગનો ભાંડો ફોડ્યો
આવકાર સિલ્વર નામની પેઢીમાં વાર્ષિક ગણતરી કરતા 320 કીલો ચાંદીના ઘટ આવી હોય પેઢીના માલીક અને ભાગીદારોએ પેઢીમાં કામ કરતા કર્મચારીઓ ઉપર શંકા વ્યક્ત કરી હોય જેમાં પેઢીમાં કામ કરતા ત્રણ વિશ્ર્વાસુ કારીગરને અન્ય કારીગર ઉપર ધ્યાન રાખવા અને માહિતી આપવા જણાવ્યું હતુ. તે દરમિયાન બે વિશ્ર્વાસુ કારીગરોએ દેવાંગ ગોદડકા કામ પરથી છુટતી વખતે દાગીના છુપાવીને લઇ જતો હોવાની જાણ માલીકને કરતા ભાંડો ફોટયો હતો. પેઢીના એક કર્મચારીને આ બાબતની જાણ હોય દેવાંગે તે કર્મચારી ચેતનને પણ આ વાત કોઇને નહીં કહેવા બદલ 5 હજાર રૂપિયા આપ્યા હતા. જેથી દેવાંગની આ કરતુત ચાલતી હતી. અંતે ભાંડો ફુટતા આ મામલે સીસીટીવી ફૂટેજના તપાસમાં સ્પષ્ટ થઇ ગયું હતુ.ં
ચોરીની ફરિયાદમાં થોરાળા પોલીસની કરામત: એફઆઇઆર સેન્સિટિવ ગણાવી
રૂા.1.12 કરોડની ચાંદીના દાગીનાની છેતરપીંડી મામલે થોરાળા પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ કોઇ કારણસર કારમત કરી મીડિયાને સાચી માહિતી આપવાના બદલે વિગતો છુપાવી હતી અને કાયદાકીય રીતે દુષ્કર્મ કે છેડતીની ફરિયાદ સુપ્રિમ કોર્ટના નિયમનુસાર સેન્સેટીવ ગણીને તે ઓનલાઇન જોઇ શકાતી નથી. ત્યારે થોરાળા પોલીસે ચોરીની ફરિયાદને સેન્સેટીવ કક્ષામાં મુકી તે માહિતી કોઇ કારણસર જાહેર ન થાય તે માટે આ ફરિયાદને મીડિયા સમક્ષ જાહેર કરવા ઉપર રોક લગાવી દીધી હતી. ચોરીની ફરિયાદમાં થોરાળા પોલીસની આ કારીગરી શા માટે કરી હશે? તે અંગે ભારે ચર્ચા જાગી છે.