રાજ્યના 123 તાલુકામાં 0॥થી 3 ઇંચ વરસાદ
કલ્યાણપુર-3, માંડવી-2॥, પારડી-2, નખત્રાણા-ખંભાળિયા-1॥, તાલાલા-માંગરોળમાં 1 ઇંચ વરસ્યો
ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી વાદળોના ગંજ ખડકાયા બાદ મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેમાં ગઇકાલ અષાઢીબીજના પાવન દિવસે અલગ અલગ જિલ્લાના 123 તાલુકામાં અડધાથી 3 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કલ્યાણપુર-3, માંડવી-2॥, પારડી-2, નખત્રાણા-ખંભાળિયા-1॥ તાલાલા-માંગરોળમાં 1 ઇંચ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે સતત વરસાદના પગલે અનેક જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. તેમજ સીઝનલી પાકને ફાયદો થયો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયા વધુ 123 તાલુકાઓમાં અડધાથી 3 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. સૌથી વધુ વરસાદ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં 3 ઇંચ તેમજ માંડવી-કચ્છ 2॥, પારડી 2, નખત્રાણા-ખંભાળિયા 1॥, ઉબેરગાવ-વાપી-વધાઇ અને વ્યારામાં 1। ઇંચ તેમજ ચોરાસી-વાલોડ-કપરાડા-તાલાલા-સુરત સિટી-માંગરોળ-ખેરગાવ-કોડીનાર-ડાંગમાં 1ઇંચથી વધુ પાણી વરસી ગયુ હતુ. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. ત્યારે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોાવ મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં અષાઢીબીજના પવિત્ર દિવસે મેઘરાજાએ શુકન સાચવ્યું છે. 44 તાલુકામાં હળવા-ભારે ઝાપટાથી લઈ 3 ઈંચ સુધીનો વરસાદ પડતા ધરતીપુત્રો પુલકીત બની ગયા છે. સૌથી વધુ વરસાદનું જોર સોરઠ અને દ્વારકા જિલ્લામાં રહ્યું છે. જ્યારે અમરેલી, પોરબંદર, જામનગર, સોમનાથ, મોરબી, રાજકોટ જિલ્લામાં ઝાપટાથી બા ઈંચ સુધીનો વરસાદ પડયાના વાવડ મળી રહ્યા.
રાજ્યમાં ગઇકાલે 123 તાલુકામાં 1 ઇંચથી 3 જેટલો વરસાદ વરસી ગયો હતો જયારે 46 તાલુકાઓમાં 10મીમી વરસાદ તેમજ અન્ય સ્થળોએ ઝાપટા સ્વરૂપે પાણી વરસી ગયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ યલો અને ઓરેન્જ એલર્ટ જારી કરેલ હોય વધુ વરસાદ પડવાની સંભાવના જોવાઇ રહી છે.