સુરતના ઓલપાડમાંથી ઝડપાઈ નકલી આયુર્વેદિક દવાઓ, ફેક્ટરીમાંથી 11.60 લાખનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
સુરતની ફેકટરીમાંથી ૧૧.૬૦ લાખની કિંમતનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો. સુરતના ઓલપાડ ખાતે પરવાનગી વગર આયુર્વેદિક બનાવટોનું ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરતી ફેક્ટરી પર રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં શંકાસ્પદ જથ્થાના આશરે ૧૫ જેટલા નમૂના લેવામાં આવ્યા છે અને બાકીના ૧૧.૬૦ લાખનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, સુરત ખાતે આયુર્વેદિક બનાવટોનું ઉત્પાદન અને વેચાણ કરતી ફેક્ટરી ખાતે ડ્રગ ઓફીસરોની ટીમ દ્વારા દરોડો પાડતા સ્થળ પર કવાથ, ચૂર્ણ તથા જોઇન્ટ રીલિફ ઓઈલ નામની અલગ અલગ પ્રકારની આયુર્વેદિક દવાનું ઉત્પાદન થતું જોવા મળ્યું હતું. પૂછપરછ કરતા જોગી હર્બાસ્યૂટીકલ પ્રા.લી. દ્વારા પરવાના કે લાયસન્સ મેળવ્યા વગર આ દવાઓનું ઉત્પાદન કરતા હોવાનું જણાઈ આવતા, તાત્કાલિક ઉત્પાદન બંધ કરાવીને ફેક્ટરી સીલ કરવામાં આવી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શંકાસ્પદ આયુર્વેદિક દવાના પાંચ નમૂના તથા રો મટીરીયલના દસ નમૂનાઓ મળી કુલ ૧૫ નમૂનાઓ લઈ, પૃથક્કરણ માટે સરકારી પ્રયોગશાળા વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા છે, જેનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પેઢીના ડિરેક્ટર નિલેશભાઈ જોગલ તેમજ ડૉ. દેવાંગી જોગલ સામે કાયદેસરની કાર્યવાહીને ધ્યાને રાખી ફેક્ટરી ખાતેથી આશરે રૂ. ૨ લાખની કિંમતનું રો મટેરિયલ, રૂ. ૭૦ હજારની કિંમતનું પેકીંગ મટેરીયલ, રૂ. ૨.૯૦ લાખની કિંમતની ફીનીશ્ડ પ્રોડક્ટ તેમજ રૂ. ૬ લાખની કિંમતની કવાથ, ચૂર્ણ તથા ઓઈલ બનાવવાની મશીનરી મળીને આશરે રૂ. ૧૧.૬૦ લાખ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.