ખંભાળિયાના ભાડથર ગામના યુવાનની હત્યાનો આરોપી ઝબ્બે
ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા એક પરિણીત યુવાન ગત તારીખ 8 ઓગસ્ટના રોજ ઘરેથી લાપતા બની થઈ ગયા બાદ તા. 10 ના રોજ તેમનો હાથ-પગમાં દોરડા સાથે પથ્થર વીંટળાયેલી હાલતમાં કૂવામાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે અહીંની પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી, આરોપી એવા ભાડથર ગામના જ બાવાજી શખ્સની અટકાયત કરી લીધી હતી.
આ ચકચારી પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે આવેલા મચ્છુનગર વિસ્તારમાં રહેતા રાજેશભાઈ નથુભાઈ મંગરા નામના 42 વર્ષના યુવાન ગત તારીખ 8 મી ના રોજ બપોરે 2 વાગ્યાના સમયે પોતાના ઘરેથી ગૌશાળામાં કામે જવાનું કહી અને નીકળ્યા બાદ લાંબો સમય સુધી પરત ફર્યા ન હતા. લાંબી શોધખોળ બાદ પણ રાજેશભાઈ મળી ના આવતા તેમના પિતા નથુભાઈ વેજાભાઈ મંગેરા (ઉ.વ. 65, રહે. ભાડથર) ખંભાળિયા પોલીસ મથકમાં વિધિવત રીતે ગુમ નોંધ કરાવી હતી.
આ પછી ભાડથર ગામની વાડી વિસ્તારમાં રહેતા એક આસામીની વાડીમાં આવેલા કુવામાં એક મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં પડ્યો હોવાની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફે આ સ્થળે દોડી જઈને લાંબી જહેમત બાદ કૂવામાંથી તદ્દન જકડાઈ ગયેલી હાલતમાં મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ મૃતદેહ બે દિવસ પૂર્વે ગુમ થયેલા રાજેશભાઈ મંગેરાનો હોવાનું ખુલવા પામ્યું હતું.
આ પ્રકરણમાં હત્યારાઓને ઝડપી લેવા માટે ફોરેન્સિક નિષ્ણાતો સાથે ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિના વડપણ હેઠળ પી.આઈ. બી.જે. સરવૈયા તથા તેમની ટીમે સધન તપાસ હાથ ધરી, ગઈકાલે આ હત્યા પ્રકરણમાં સંડોવાયેલા આરોપી ધરમદાસ ઉર્ફે ધર્મેશ ઉર્ફે ભોલો ભીખાભાઈ ગોંડલીયા (રહે. ભાડથર)ની અટકાયત કરી, લેવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે આરોપીને અદાલત સમક્ષ રજૂ કરીને માંગણી કરવામાં આવતા અદાલતે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આરોપી ધરમદાસ ગોંડલીયા દ્વારા અંગત અદાવતના કારણે રાજેશ મંગેરાની હત્યા નિપજાવી હોવાનું ખુલવા પામ્યું છે. આ પ્રકરણની તપાસ ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ ચલાવી રહ્યા છે.