ભુજના કેમ્પ વિસ્તારમાં પૈસાની લેતી દેતી મામલે છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
શહેરના કેમ્પ એરીયામાં આવેલા રાજેન્દ્રનગરમાં મોડી રાત્રે રૂૂપિયાની લેતીદેતી મામલે થયેલી બબાલ લોહિયાળ સાબિત થઈ હતી. સામસામે બોલાચાલી બાદ મામલો ગરમાતા યુવાનને છાતીના ભાગે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો અને આરોપીને પણ ઈજા પહોચતા સારવાર તળે ખસેડવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી જાવેદ અબ્દુલ્લા બકાલીએ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથકે આરોપી આવેશ ફારુક તુરીયા વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ શુક્રવારે રાત્રે અગિયાર વાગ્યાના અરસામાંપોતે ઘરે હતા.એ દરમિયાન તેમનો ભાઈ જાકબ આવ્યો હતો અને રૂૂપિયાની લેતીદેતી મામલે આરોપી સાથે ઝઘડો થયો હોવાનું કહ્યું હતું.જે બાદ ફરિયાદીના ભાઈએ ઘરેથી ધારીયો લીધો હતો અને ફરિયાદી સાથે આરોપીના ઘર તરફ ગયા હતા.ત્યારે આરોપી પણ ઘરની બહાર હતો અને તેણે ફરિયાદીના ભાઈ પાસે રૂૂપિયાની માંગણી કરી હતી.ત્યારે મૃતક યુવાને પોતાની પાસે રૂૂપિયા ન હોવાનું કહેતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ભૂંડી ગાળો બોલતો હતો.
જેથી ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપીએ પોતાની પાસે રહેલી છરીથી ફરિયાદીના ભાઈ પર હુમલો કરી દીધો હતો.અને છાતીના ભાગે ઘા માર્યો હતો.એ દરમિયાન મૃતક યુવાને પણ આરોપીને પગના ભાગે ધારીયો માર્યો હતો.જે બાદ આરોપી સ્થળ પરથી ભાગી ગયો હતો.ફરિયાદી પોતાના ભાઈને જી.કે.જનરલ હોસ્પિટલ લઇ જતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.સમગ્ર મામલે પીઆઈ જે.કે.મોરી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે,હાલ આરોપી પણ ઈજાગ્રસ્ત હોવાથી તેની સારવાર ચાલી રહી છે.જે બાદ તેની અટકાયત કરવામાં આવશે અને સામા પક્ષે પણ ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે.