મોરબીમાં પિસ્તોલ ચેક કરતા ફાયરિંગમાં યુવાન ઘાયલ
શનાળા રોડ ઉપર આવેલી હોથલ હોટલના ગ્રાઉન્ડમાં બનેલો બનાવ: મુસ્તાક મીર ચકચારી હત્યા કેસમાં સંડોવાયેલ નામચીન શખ્સના પુત્રનું હથિયાર હોવાનું ખુલ્યું
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ હોટલ હોથલના ગ્રાઉન્ડમાં નામચીન શખ્સની ગેરકાયદેસર પિસ્તોલમાંથી ફાયરીંગ થતાં યુવાનને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ મામલે સીટી એ ડિવિઝનપોલીસે ફરિયાદ નોંધી નામચીન શખ્સને સકંજામાં લીધો હોવાનું જાણવા મળ્યું છે. ગેરકાયદેસર પિસ્તોલ ચેક કરતી વખતે ભૂલથી ફાયરીંગ થતાં ગોળી સાથળમાં ઘુસી ગઈ હતી.
મળતી વિગતો મુજબ મોરબીના સનાળાના ચકચારી આસિફ મીર હત્યાકેસમાં સંડોવાયેલા શખ્સના પુત્ર મોન્ટુ પલ્લવ રાવલ અને તેના મિત્રો સનાળા રોડ ઉપર આવેલા હોટલ હોથલના ગ્રાઉન્ડમાં બેઠા હતા ત્યારે સનાળા રોડ ઉપર યદુનંદન સોસાયટીમાં રહેતા મહિપતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાએ મોન્ટુ પાસે રહેલી ગેરકાયદેસર પિસ્તોલ ચેક કરવા માટે લીધી હતી. અને ભૂલથી આ પિસ્તોલમાંથી ફાયરીંગ થઈ જતાં મહિપતસિીંહના સાથળમાં ગોળી ઘુસી ગઈ હતી. અને તેને તાત્કાલીક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
હોટલ હોથલના ગ્રાઉન્ડમાં ફાયરીંગની ઘટના બનતા જ ત્યાં હાજર લોકોમાં નાશભાગ મચીગઈ હતી. અને આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા સીટી એે ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઈજાગ્રસ્ત મહિપતસિંહને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોય પોલીસે તેનું નિવેદન લેતા હથિયાર મોન્ટુ રાવલનું હોવાનું ખુલ્યું હતું. જે અંગે પોલીસે ગુનો નોંધી મોન્ટુ રાવલને સકંજામાં લીધો છે. આ મામલે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, આસિફ મીર હત્યા કેસમાં મોન્ટુના પિતા પલ્લવ રાવલની સંડોવણી ખુલી હતી. જેની ધરપકડ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનામાં પોલીસે હોટલના સીસીટીવી કેમેરાના આધારે બનાવ વખતે કોણ કોણ હાજર હતું તે બાબતે તપાસ શરૂ કરી છે.