શ્રમિક યુવકની કરપીણ હત્યા કરવાના કેસમાં બે આરોપીને આજીવન કેદની સજા
5.20 લાખના દંડની રકમ મૃતકના પરિવારને આરોપી વતી કલેકટર દ્વારા વળતર પેટે ચૂકવવા કોર્ટનો હુકમ
શહેરમાં ગોંડલ રોડ નજીક કોઠારીયા સોલવન્ટ વિસ્તારના બરકતીનગરમાં આઠ વર્ષ પૂર્વે જુના ઝઘડાનો ખાર રાખી પરપ્રાંતિય શ્રમિકની કરપીણ હત્યા કરવાના કેસમાં કોર્ટે બે આરોપીને આજીવન કેદની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ મૂળ ઉત્તર પ્રદેશના બલદેવનગરના વતની અને રાજકોટ શહેર ખાતે પેટીયુ રળવા આવેલા મેસરઅલી યાકુબઅલી પિંજારા નામના શ્રમિક યુવકની ગત તા.17-10-2018 ના રોજ ગોંડલ રોડ પર કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલા બરકતીનગરમાં સાગર બગથરીયા અને કિશન વાજા નામના શખ્સે છરી વડે હુમલો કરી હત્યા કર્યાની મૃતકના ભાઈ શમશાદઅલી યાકુબઅલી પિંજારાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને વિરુદ્ધ હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી સાગર પ્રવીણ બખથરીયા અને કિશન મોહન વાંજાની ધરપકડ કરી પ્રાથમિક તપાસમાં મૃતક મેસરઅલી ભાડાના મકાનમાં રહી રીક્ષા ચલાવી બાળકો અને પત્નીનું જીવન નિર્વાહ ચલાવતો હતો તેને સાગર બખથરીયા, કિશન વાંજા અને વિપુલ સાથે અગાઉ કોઈ મુદ્દે તકરાર થઈ હતી. જેનો ખાર રાખી ઝઘડો કરી અને મોતને ઘાટ ઉતાર્યાનુ ફરિયાદમાં જણાવ્યું હતું. તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યા હતા.
જ કેસ ચાર્જશીટ બાદ સેશન્સ કોર્ટમાં ચાલવા ઉપર આવતા મુળ ફરીયાદી, સાહેદો, તપાસ અધિકારી અને તબીબની જુબાની તેમજ બંને પક્ષની રજૂઆત બાદ સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે બંને આરોપીને આજીવન કેદની સજા અને બંનેને રૂૂા. 2.60 લાખ મળી કુલ રૂૂા.5.20 લાખનો દંડ તેમજ રૂૂા.5.20 લાખ આરોપીઓ વતી રાજકોટના કલેકટર દ્વારા મૃતક મૈશરઅલીના પત્ની અને બાળકોને ચુકવવા હુકમ ફરમાવ્યો છે.
આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ રક્ષિત કલોલા અને સમીર ખીરા રોકાયા હતા.