સાત હનુમાન મંદિર નજીક ઘર પાસે કચરો નાખવાની ના પાડતાં યુવક પર હુમલો
કોઠારિયા સોલવન્ટમાં બે યુવાન ઉપર અજાણ્યા શખ્સો ધોકા વડે તૂટી પડ્યા
શહેરમાં સાત હનુમાન નજીક આવેલા રૂડા ટ્રાન્સપોર્ટમાં કચરો નાખવાની ના પાડતાં યુવક ઉપર કૌટુંબીક શખ્સોએ હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, સાત હનુમાન મંદિર નજીક આવેલા રૂડા ટ્રાન્સપોર્ટમાં રહેતા હિતેશ ગોપાલભાઈ ચૌહાણ નામના 27 વર્ષના યુવાન સાથે બપોરના અરસામાં નવઘણ, તેની પત્ની લીલાબેન અને પુત્ર શ્રવણ સહિતના શખ્સોએ ઝઘડો કરી પાઈપ વડે માર માર્યો હતો.
હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ઈજાગ્રસ્ત અને હુમલાખોર કૌટુંબીક સગા થાય છે. હુમલાખોર નવઘણની ભાભી કલાબેન ઘર પાસે કચરો નાખતાં હતાં ત્યારે હિતેશ ચૌહાણે ઘર પાસે કચરો નાખવાની ના પાડતાં થયેલી બોલાચાલીમાં હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત બીજા બનાવમાં કોઠારીયા સોલવન્ટ શિતળાધાર પચ્ચીસ વાયરીમાં રહેતા નિખીલ ગોપાલભાઈ વાઘેલા (ઉ.23) અને ભરત પોપટભાઈ પરમાર (ઉ.22) રાત્રીનાં દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતાં ત્યારે ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. બન્ને યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.