માંગરોળ પોલીસ સ્ટેશનમાં પોલીસ જવાને માર માર્યાનો યુવાનનો આરોપ
કાર ખરીદીના રૂપિયાની લેતીદેતીમાં આરોપીએ અરજી કરી’ તી
માંગરોળના નાગડા વિસ્તારમાં રહેતા યુવકે ખરીદેલી કારના રૂૂ.16,000 દેવાના હતા પરંતુ ગાડી માલિકે રૂૂ.40,000 ની ઉઘરાણી કરી પોલીસમાં અરજી કરી હતી જે અરજી સબબ માંગરોળ પોલીસ મથકમાં મેવાડા સાહેબે પટા વડે ઢોર માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ માંગરોળમાં આવેલા નાગડા વિસ્તારમાં રહેતા યુનુસ સુલેમાનભાઈ કારવદ નામનો 24 વર્ષનો યુવાન બે દિવસ પૂર્વે બપોરના બેએક વાગ્યાના અરસામાં માંગરોળ પોલીસ સ્ટેશનમાં હતો ત્યારે મેવાડા સાહેબે પટ્ટા અને ઢીકા પાટુનો માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે માંગરોળ અને જુનાગઢ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં યુનુસ કારવાદે ઇબ્રાહીમ હાજી પાસેથી બોલેરો ગાડી લીધી હતી તેના રૂૂ.16000 બાકી હતા તેના બદલે ઈબ્રાહીમ હાજીએ રૂૂ.40,000 આપવાનું કહ્યું હતું અને બાદમાં રૂૂ.16 હજારનું લખાણ નહિ કરી આપી પોલીસમાં અરજી કરી હતી જે અંગે પોલીસમાં કરેલી અરજી સબબ યુનુસ કારવદને મેવાડા સાહેબે માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આક્ષેપના પગલે માંગરોળ પોલીસ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.