મોટા દડવામાં પ્રેમપ્રકરણમાં યુવકની માતાનું અપહરણ
યુવતીના માતા-પિતા સહીત ચાર શખ્સોએ અમરેલી ઉપાડી જઇ એસિડ એટેકની ધમકી આપી, તબીયત લથડતા પોલીસ સ્ટેશને લઇ ગયા, દંપતિ સહીત 4ની ધરપકડ
આટકોટના મોટાદડવા ગામે રહેતા યુવકે અમરેલીના વડીયાની યુવતી સાથે ભાગીને પ્રેમલગ્ન કર્યા હોય જે બાબતનો ખાર રાખી યુવતીના માતા-પિતા સહિતના પરિવારના ચાર સભ્યોએ યુવકની માતાનું મોટાદડવા ગામેથી અપહરણ કરી અમરેલીના વાડિયા ગામે લઇ જઈ પુત્રીની ભાળ મેળવવા યુવકની માતાને એસીડ એટેકની ધમકી આપી હતી. અપહ્યત મહિલા ની તબિયત લથડતા તેણીને અમરેલી પોલીસ મથકે લઇ જનાર યુવતીના માતા-પિતા સહીત ચાર સામે અપહ્યત મહિલાએ પોલીસને ફરિયાદ કરતા આ મામલે અમરેલી પોલીસે ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી આ ફરિયાદ આટકોટ પોલીસ મથકને મોકલી આપી હતી.
મળતી વિગતો મુજબ આટકોટના મોટાદડવા ગામે રહેતા મંજુબેન મનીષભાઈ રાઠોડ (ઉવ55)ની ફરિયાદને આધારે અમરેલીના વાડિયામાં રહેતા બાવચંદ પુંજાભાઈ ચૌહાણ અને તેની પત્ની સોનલબેન બાવચંદ ચૌહાણ તેની સાથેના અન્ય બે શખ્સો સહીત ચાર સામે ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં મંજુબેને જણાવ્યું કે, મંજુબેનનો પુત્ર વિક્રમ અમરેલીના વડીયામાં રહેતા બાવચંદ પુંજાભાઈ ચૌહાણની પુત્રી સાથે ભાગી ગયો હોય પુત્રીની શોધખોળ કરતા બાવચંદ પુંજાભાઈ ચૌહાણ અને તેની પત્ની સહિતના પરિવારજનો કાર લઇ મોટાદડવા ગામે મંજુબેનના ઘરે આવ્યા હતા અને બાવચંદ ચૌહાણ તેમજ તેની પત્ની સોનલબેને તારો દીકરો વિક્રમ અને મારી પુત્રી ક્યાં છે ? તેવું પૂછ્યું હતું મંજુબેને પોતે કશું જાણતા નહી હોવાની વાત કરતા, આ ચારેયે મંજુબેને ધરાર હાથ અને પગ પકડી કારમાં અપહરણ કરી લઇ ગયા હતા. મંજુબેન ઉપર એસીડ એટેકની ધમકી આપી મોત નીપજાવવાનો ભય દેખાડી અપહ્યત મંજુબેનને અમરેલીના વડીયા લઇ ગયા હતા.
રસ્તામાં મંજુબેનની તબિયત લથડતા અપહરણકારો બાવચંદ પુંજાભાઈ ચૌહાણ અને તેની પત્ની સોનલબેન બાવચંદ ચૌહાણ તેની સાથેના અન્ય બે શખ્સો મંજુબેનને હોસ્પીટલને બદલે અમરેલી પોલીસ મથકે લઇ ગયા હતા.અમરેલી પોલીસ મથકે મંજુબેને આપવીતી જણાવતા પોલીસે આ મામલે બાવચંદ પુંજાભાઈ ચૌહાણ અને તેની પત્ની સોનલબેન બાવચંદ ચૌહાણ તેની સાથેના અન્ય બે શખ્સોને અટકાતમાં લઇ આ બનાવ અંગે મંજુબેનની ફરિયાદ લઇ આટકોટ પોલીસ મથકે મોકલી આપી.મંજુબેનનું અપહરણ કરનાર ચારેય અપહરણકારોને આટકોટ પોલીસને સોપી દીધા હતા.