રાણાવાવના ભોદ ગામે પ્રેમપ્રકરણમાં યુવાનની હત્યા
કૌટુંબિક કાકાની દીકરી સાથે પ્રેમ સંબંધ બંધાતા બન્ને નાસી ગયા હતા
રાણાવાવના ભોદ ગામની સીમ વિસ્તારમાં શુક્રવારે બપોરના સમયે 3 શખ્સોએ હથિયાર સાથે યુવાનના ઘરે આવી કુહાડીના ઘા ઝીંકી હત્યા નિપજાવી નાશી છૂટ્યા હતા, આ હત્યાના કારણોમાં આ યુવાનને તેના કાકા બાપાની દીકરી એટલેકે પિતરાઈ બહેન સાથે પ્રેમ થયો હતો અને બંને નાશી ગયા હતા. આ પ્રેમ પ્રકરણના મનદુ:ખમાં યુવાનની તેનાજ સબંધીઓ મળીને હત્યા નિપજાવ્યાની ફરિયાદ નોંધાઈ છે.
પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ભોદ ગામે સીમ વિસ્તારમાં ખોડિયાર મંદિરની બાજુમાં રહેતા રાજુ દાના કોડિયાતર નામનો 25 વર્ષીય યુવાન ગઈકાલે શુક્રવારે તેના ઘરે જમીને સૂતો હતો ત્યારે તેના સબંધી 3 શખ્સ ઘરના બારણામાં કુહાડીના ઘા મારી ઘરમાં પ્રવેશ કરી આ યુવાનને કુહાડી, લોખંડનો પાઈપ અને લાકડી વડે માર મારી યુવાનની હત્યા નિપજાવી હતી. આ અંગે યુવાનની બહેન ભીખુબેન કોડિયાતરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ભીખુબેને જણાવ્યું હતુંકે, તેનો ભાઈ રાજુ દાના કોડિયાતરને તેનાજ કૌટુંબિક કાકા બાપાની દીકરી સાથે પ્રેમ સંબંધ હતો અને રાજુ તથા યુવતી બંને નાશી ગયા હતા ત્યારબાદ પોલીસે તેમને શોધી કાઢ્યા હતા અને યુવતીને તેના માતાપિતાને સોંપી દીધી હતી.
આ બનાવ બાદ પ્રેમ સંબંધ અંગે તેઓના કાકા બાપાએ મનદુ:ખ રાખી શુક્રવારે બપોરના સમયે સબંધી બધો, હીરો અને ગાંગો ઘરે આવીને તેના ભાઈ રાજુને કુહાડી સહિતના હથિયાર વડે માર મારી હત્યા નિપજાવી હતી. આ બનાવ બાદ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.રાજુના મૃતદેહને પીએમ માટે રાણાવાવ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે રાજુની બહેનની ફરિયાદના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ભીખુબેને જણાવ્યું હતું કે, માતા પિતા વગરના અમે બે બહેનો અને એકનો એક ભાઈ રાજુ રહીએ છીએ, બપોરે જમીને અમે ઘરમાં હતા ત્યારે બપોરે 12:30 થી 1 વાગ્યા દરમ્યાન અમારા સબંધી બધો, હીરો અને ગાંગો કોડિયાતર આવ્યા હતા, પહેલા તો બંધ દરવાજામાં કુહાડીના ઘા માર્યા હતા અને ઘરમાં આવી મને પકડીને ઠોકર મારી હતી. રાજુને કુહાડી, લાકડી અને લોખંડના પાઇપ વડે માર મારી, મારી નજર સામે જ રાજુની હત્યા કરી નાખી હતી. અમે આ જોઈને ડરી ગયા હતા. તેઓ ચાલ્યા ગયા બાદ 108ને જાણ કરી હતી. 108 ની ટીમે તપાસ કરીને કહ્યુંકે, બોડીમાં હવે જીવ નથી રહ્યો.