મેટોડામાં ગળુ કાપી યુવાનની કરપીણ હત્યા
પડોશીની પત્નીની છેડતીની શંકામાં ગઢડા(સ્વામીના)ના યુવકને સમાધાન માટે બોલાવી ઢીમઢાળી દીધું, બે મિત્રો સંકજામાં
બોટાદના સ્વામીના ગઢડાના ચોસલા વતની અને છેલ્લા 12 વર્ષની રાજકોટ નજીક મેટોડા જીઆઈડીસીની ગ્લોરિયસ સોસાયટીમાં રહેતા રીક્ષા ચાલક યુવાનની ગળું કાપી હત્યા કરવામાં આવતા સનસનાટી મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા મેટોડા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ તપાસ કરતા તેના રિક્ષા ચાલક સાથે તેજ મકાનમાં રહેતા પાડોશી અને તેના મિત્રએ હત્યા કર્યાનું ખુલતા પોલીસે બન્નેને સકંજામાં લીધા હતા. પાડોશીની પત્નીની છેડતી કર્યાની શંકાએ થયલે માથાકૂટ બાદ સમાધાન માટે બોલાવી હત્યા કર્યાનુ પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે.
આ ઘટના બાબતે પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં ગ્લોરિયસ સોસાયટીમાં રહેતા મૂળ બોટાદના સ્વામી ના ગઢડાના ચોસલાના વતની દિલીપસિંહ પ્રવિણસિંહ ગોહિલ (ઉ.વ.35) નામના યુવાનની તેના ઘર પાસે છરીના ઘા ઝીંકી હત્યા કરાયેલી લાશ મળી હતી. બનાવ અંગે જાણ થતા મેટોડા પોલીસ મથકના પીઆઈ એસ.એચ. શર્મા સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડી મૃતક પરિવારજનોને જાણ કરી હતી. દિલીપસિંહના ભાઈ સહિતના પરિવારજનો રાજકોટ દોડી આવ્યા હતા. આ મામલે મૃતકના ભાઈ ગઢડાના ચોસલા ગામે રહેતા વિક્રમસિંહ પ્રવીણસિંહ ગોહિલે ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતકના પાડોશી હાર્દિક મહીડા અને લોધિકાના દેવગામના કેતન ઉર્ફે બીટુ બગડા સામે ગુનો નોંધ્યો હતો.
પોલીસની પ્રાથમીક તપાસમાં જનાવ મળ્યું કે, હત્યાનો ભોગ બનનાર દિલીપસિંહ ગોહિલ મુળ ભાવનગરના સોહલા ગામના હાલ છેલ્લા આઠેક વર્ષથી મેટોડામાં ભાડે મકાનમાં રહેતા અને રીક્ષા ચલાવતો તેના પ્રથમ લગ્ન સુરેન્દ્રનગરના ઝીંઝુવાડાના રણજીતસિંહ ઝાલાની પુત્રી નિધિ સાથે થયા હતા જેના થકી તેને સંતાનમાં એક 10 વર્ષનો પુત્ર વિશ્વરાજસિંહ અને 7 વર્ષની પુત્રી દ્રષ્ટિ બા છે. પત્ની નિધિબા સાથે મનમેળ નહી આવતા દિલીપસિંહ મેટોડા હંસા ડાંગર સાથે રહેવા ચાલ્યો ગયો હતો જયારે નિધિબા બંને સંતાનો સાથે રાજકોટ રૈયારોડ ઉપર રહે છે.
પોલીસની વિશેષ તપાસમાં જાણવા મળ્યું કે, ગ્લોરિયસ સોસાયટીમાં રહેતા ભાડાના મકાનમાં રહેતા દિલીપસિંહ તેમજ તે જ મકાનમાં રહેતા હાર્દિક મહિડા પણ રહેતો હોય. અવાર નવાર દિલીપસિંહ ચડી પહેરી હાર્દિકની પત્ની સામે જોતા હોય જે અંગે અવાર નવાર હાર્દીક સાથે ઝઘડો થતો હોય તે બાબતે હાર્દિકની પત્ની છેડતી કરતો હોવાની શંકા કરતો હોય બન્ને વચ્ચે ગઈકાલે ઝગડો થયો હતો અને બાદમાં હાર્દિકે સમાધાન માટે મેટોડા ગ્લોરિયસ સીટીના પ્લોટમાં મળવા બોલાવ્યો હતો અને હાર્દિક અને લોધિકાના દેવગામના કેતન ઉર્ફે બીટુ બગડાએ ઝગડો કરી દિલીપસિંહને ગળાના ભાગે છરીના ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. મેટોડા જીઆઈડીસી પોલીસે મહિલાના પતિ હાર્દિક અને તેના મિત્ર કેતન ઉર્ફે બીટુને સકંજામાં લઇ પુછપરછ શરુ કરી છે.