ભુજના જખણિયા પાસે સાળા અને કૌટુંબિક મામાના હાથે યુવાનની કરપીણ હત્યા
પૈસાની લેતી-દેતી અને જૂની અદાવતનાં પગલે ભુજના 36 વર્ષીય યુવાન ચિંતન કિશોરભાઈ ગોર (માલાણી)ને તેના જ કૌટુંબિક મામા જિગર દીપકભાઈ ગોર તથા જિગરના સાળા જય દીપકભાઈ ગોરે સાંજે જખણિયા પાસે છરીના ઘા મારી કરપીણ હત્યા નીપજાવતાં પોલીસની દોડધામ વધી હતી તેમજ રાજગોર સમાજના યુવાનો તથા પરિજનો હોસ્પિટલ દોડી ગયા હતા.
આ બનાવ અંગે મળેલી પ્રાથમિક વિગતો મુજબ આરટીઓ રિલોકેશન સાઈટમાં રહેતા ચિંતને તેના માસિયાઈભાઈ પ્રિયેન મહેશચંદ્ર ગોર તથા અન્ય સાથે બપોરે માંડવી ફરવા નીકળ્યા હતા. સાંજે પાંચ વાગ્યા આસપાસ આરોપી જિગરે ચિંતનને ફોન કર્યો હતો અને જણાવ્યું કે, તારા રૂૂપિયા તૈયાર છે તું જખણિયા પાસે લેવા આવ... આ બાદ ચિંતન સહિત ત્રણે 5.30 વાગ્યાના અરસામાં ઘટનાસ્થળે પહોંચતાં આરોપી જિગર અને જયએ છરીના ઘા મારીને ચિંતનને ગંભીર રીતે ઘાયલ કરી નાસી છૂટયા હતા. પ્રિયેને 108 બોલાવીને ચિંતનને સારવાર અર્થે માંડવીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ આ બનાવની જાણ કોડાય પોલીસને થતાં તે ગાડીએ બનાવ સ્થળે ધસી જઈ નિરીક્ષણ કર્યું હતું.
ચિંતનના પોસ્ટમોર્ટમ અર્થે તેના દેહને રાતે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ અવાયો હતો. આ બનાવના સમાચાર રાજગોર સમાજમાં ફેલાતાં અનેક યુવાનો તથા પરિજનો હોસ્પિટલ ધસી આવ્યા હતા. જી.કે. જનરલ હોસ્પિટલમાં કોડાય પોલીસના પીઆઈ વાઘેલા અને તેની ટીમે ચિંતન સાથેના તેના માસિયાઈ ભાઈ પ્રિયેન અને અન્યો પાસેથી વિગતો મેળવી આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલુ હોવાનું આ લખાય છે ત્યાં સુધી પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું છે.