રંગીલા સોસાયટીમાં યુવકને પત્ની અને સાસુએ માર માર્યો
માંડા ડુંગરના યુવાને ગુંદા ગામમાં ફિનાઈલ પીધુ
શહેરની ભાગોળે નવા ગામમાં આવેલી રંગીલા સોસાયટીમાં યુવાનને તેની પત્ની અને સાસુએ માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગત મુજબ, નવા ગામમાં રંગીલા સોસાયટીમાં રહેતા અરવિંદ હમીરભાઈ ડાભી (ઉ.32) નામનો યુવાન ગઈકાલે રાત્રે તેના ઘરે હતો ત્યારે તેની પત્ની વર્ષા અને સાસુ મુન્નીબેન ઘુઘાભાઈ નાગાણીએ ઝઘડો કરી લોખંડના પાઈપ વડે માર મારતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરી હતી.
પ્રાથમિક તપાસમાં તેની પત્ની વર્ષા 15 દિવસથી રિસામણે ચાલી ગઈ હતી. પત્ની તેનો સામાન લઈ અલગ રૂમ રાખી રહેતી હોય જેથી અરવિંદને તેની પત્નીને આડા સંબંધ હોવાની શંકા હોય ગઈકાલે બહાર ગામથી આવ્યા બાદ હુમલો કર્યાનું જાણવા મળ્યું છે. જ્યારે બીજા બનાવમાં આજી ડેમ ચોકડી પાસે માંડાડુંગરમાં રહેતાં નિતીન રાજુભાઈ મકવાણા (ઉ.21) નામના યુવાને ગુંદા ગામના બસ સ્ટેશન પાસે ફીનાઈલ પી જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેના માતા કૈલાસબેને ઠપકો આપતાં આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.