મોરારીનગરમાં મકાન ભાડે આપવા મામલે યુવાન પર માતા અને મામા સહિતનાનો હુમલો
શહેરના બાબરીયા કોલોની પાસે આવેલા મોરારીનગરમાં ભાડે મકાન આપવા ગયેલા યુવાન પર તેમના માતા અને મામા સહિતનાઓએ હુમલો કરતાં ઘવાયેલા યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનામાં ભક્તિનગર પોલીસે તપાસ શરૂ કરી છે. શહેરના કોઠારીયા મેઈન રોડ નિલકંઠ પાર્કમાં રહેતાં અને આત્મીય કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતાં શાહીદ સલીમ ચુડાસમા (ઉ.19)એ તેના માતા રેશ્માબેન સલીમભાઈ, સદામ અબ્દુલભાઈ ગોધાવીયા, અમીન ઈકબાલભાઈ, રજાક અલીભાઈ અને ફીરોજ રજાકભાઈ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.
શાહીદે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓનું મોરારીનગરમાં આવેલ મકાન ભાડે આપવાનું હોય જેથી તેમના કાકા અલ્તાફભાઈ સાથે મોરારીનગર શેરી નં.6માં ગયા હતાં ત્યાં ભાડુઆતને રૂમ બતાવતાં હતાં ત્યારે સવા નવેક વાગ્યે તેમના માતા રેશ્માબેન અને કાકા અલ્તાફભાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી અને ઝપાઝપી કરવા લાગ્યા હતાં. ત્યારબાદ શાહીદે તેમના પિતાને ફોન કરી જાણ કરતાં દાદા ઈકબાલભાઈ, દાદી હલુબેન ત્યાં આવ્યા હતાં. ત્યારબાદ માતા રેશ્માબેને ેતમના પિયરયાઓને ફોન કરતાં શાહીદના મામા સદામભાઈ સાથે અન્ય ચાર વ્યક્તિ ત્યાં પહોંચી ગયા હતાં. ત્યાં બોલાચાલી થતાં મામા સદામ સહિત ચાર શખ્સોએ ધોકા વડે સાહીદને માર માર્યો હતો. જેમાં દાદા ઈકબાલભાઈ વચ્ચે બચાવવા પડતાં તેમને પણ ઈજા થઈ હતી. આમ ઘવાયેલા બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. તેમજ શાહીદે કહ્યું હતું કે માતા અને પિતા એક બીજા સાથે બોલતા ન હોય જેથી આ મકાન ભાડે આપવા બાબતે માથાકુટ થઈ હતી. આ મામલે ભક્નિગર પોલીસના સ્ટાફે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.