તું કામ કરતી નથી, લગ્નના છ મહિનામાં પરિણીતાને સાસુ સહિતના સાસરિયાનો ત્રાસ
રવિ પાર્કમાં રહેતા પતિ, સાસુ અને જેઠ-જેઠાણી સામે પોલીસમાં ફરિયાદ
કાલાવડ રોડ પર રવિ પાર્ક શેરી નં.6માં તેમના માવતરે રહેતા હર્ષિતાબા સહદેવસિંહ જાડેજા (ઉ.31) એ પોતાની ફરિયાદમાં પતિ સહદેવસિંહ હિતેન્દ્રસિંહ જાડેજા, સાસુ મનહરબા હિતેન્દ્રસિંહ, જેઠ ક્રિપાલસિંહ હિતેન્દ્રસિંહ અને જેઠાણી ભાગ્યશ્રીબા ક્રિપાલસિંહ સામે ત્રાસ આપી માર માર્યાની યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે પીએસઆઈ બેલીમ તપાસ ચલાવી રહ્યાં છે.
હર્ષિતાબાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના લગ્ન જ્ઞાતિના રીતરીવાજ મુજબ 2020માં થયા હતાં. લગ્ન થકી તેમને સંતાનમાં ચાર વર્ષની દીકરી છે. લગ્ન થયાના છ મહિનામાં પતિ, સાસુ નાની નાની બાબતોમાં ઝઘડા કરવા લાગ્યા હતાં. જેઠ ક્રિપાલસિંહ અને જેઠાણા ભાગ્યશ્રીબા મેણાટોણા મારતાં હતાં અને દુ:ખ ત્રાસ આપતાં અને પતિને વાત કરે તો તેને પણ ચડામણી કરતાં હતાં ત્યારબાદ જુલાઈ 2020માં જેઠ-જેઠાણી સાથે મનદુ:ખ થતાં પતિ તેમના મમ્મીના ઘરે મુકી ગયા હતાં. ઓકટોમ્બર 2020ના ફરી તેડી ગયા હતાં. થોડો સમય સારી રીતે રાખ્યા બાદ દીકરીનો જન્મ થયો હતો. ત્યારબાદ ફરી સાસુ અને જેઠ જેઠાણી નાની નાની બાબતોમાં ઝઘડો કરવા લાગ્યા હતાં. પતિ ગોંડલમાં બાયોડીઝલનો ધંધો કરતો હોય સવારે જતાં રહે અને રાત્રીના મોડેથી આવતાં હતાં અને સારી રીતે રાખતા નહીં તેમજ હર્ષિતાબાના કોઈ જીવન જરૂરીયાતની જરૂર હોય દીકરીને કોઈ વસ્તુ લેવી હોય તો પૈસા આપી દેતાં હતાં પરંતુ સાથે આવતાં ન હતાં અને માવતરેથી કોઈ આવે તો તેની સાથે જવા દેતાં પણ નહોતા.
ત્યારબાદ હર્ષિતાબાના ભાઈના લગ્ન ફેબ્રુઆરી 2024ના રોજ હોય જેથી ત્યાં ગયા હતાં ત્યાંથી કોઈ સાસરીયાઓ લેવા આવ્યા ન હતાં. ત્યારબાદ નણંદ કૌશાબાનું 19-9-2024નાં રોજ અવસાન થતાં સમાજમાં ઈજ્જત આબરૂને લઈ તેઓ માવતરેથી તેમની લૌકીક ક્રિયાએ પિતાજી સાથે બેસવા ગયા હતાં. ત્યારબાદ તેઓ સાસરીએજ રહ્યા હતાં અને ચારેક દિવસ પહેલા હર્ષિતાબા દીકરીને જમાડતાં હતાં ત્યારે તેમના સાસુ કહેવા લાગ્યા કે તારી દીકરી માટે આ બધુ કયાંથી લાવે છે, પૈસા કોણ આપે છે તેમ કહી ઝઘડો કરવા લાગ્યા હતાં અને પતિ પણ તેમનો જ વાંક કાઢતાં હતાં. આ સમયે પતિએ ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ 181માં મહિલા હેલ્પલાઈનમાં કોલ કરતાં પોલીસ સ્ટેશને આવી અને સાસરીયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.