ગુંડાગીરીના વિરોધમાં યાત્રાધામ અંબાજી જડબેસલાક બંધ
200 ટેકસીચાલકો પણ જોડાયા, નાના- મોટા તમામ વેપારીઓએ બંધ પાળી ઠાલવ્યો આક્રોશ
રાજયના શક્તિપીઠ અંબાજીમાં એકતરફ રૂા.1200 કરોડના ખર્ચે ભવ્ય કોરીડોર વિકસાવવાની યોજના બની રહી છે ત્યારે બીજી તરફ આ યાત્રાધામમાં ગુંડાગીરી અને પોલીસની નિષ્ક્રિયાતા સામે વેપારીઓ- ટેકસી ચાલકોએ ઉગ્ર આક્રોશ ઠાલવી સજજડ બંધ પાળ્યો હતો અને પોલીસને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ગઇકાલે મળેલી વેપારીઓની બેઠકમાં પોલીસે આશ્વાસન પણ આપ્યું હતું અને ત્યારબાદ બંધનું એલાન પાછુ ખેંચવા નિર્ણય લેવાયો હતો. પરંતુ આજે સવારે વેપારીઓએ સ્વયંભુ સજજડ બંધ પાળી આક્રોશ વ્યકત કર્યો હતો. આ સાથે 200 ટેકસી ચાલકો પણ હડતાલમાં જોડાયા હતા.
રાજયના કેબીનેટમંત્રી ઋષિકેશ પટેલના મોટાભાઇ જીતુભાઇ પટેલના મેડીકલ સ્ટોર ઉપર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા મામલો ઉગ્ર બન્યો હતો અને આજે બંધનુન એલાન અપાયું હતું.
અંબાજી પોલીસ સ્ટેશન મંથકે અંબાજીના વેપારીઓ અને ગ્રામજનો પહોંચ્યા હતા અને અંબાજી પોલીસ સાથે ચર્ચા વિચારણા કરતા અંબાજી પોલીસના ઙજઈંએ ગ્રામજનો અને વેપારીઓને આશ્વાસન આપતા કહ્યું હતું કે અમે જે ગઈકાલે અંબાજીમાં ગુનો બન્યો હતો. તેમાં બે આરોપીઓને પકડી પાડ્યા છે અને વધુમાં અંબાજી ગામની સુરક્ષાને લઈને અમે પેટ્રોલિંગ પણ વધારવાના છીએ. ઘોડેસવારી સાથે વોચ રાખવા અને અંબાજીમાં વાહન ચેકિંગની પણ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જેવી અનેકો બાબતોને લઈને ગ્રામજનો અને વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અંબાજીને ભયમુક્ત બનાવવા આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું. પરંતુ વેપારીઓને પોલીસ ઉપરથી ભરોસો ઉઠી ગયો હોય તેમ આજે બંધ પળાયો હતો.
અંબાજીમાં ભરબજારે લુખ્ખા તત્ત્વોએ એક મેડિકલ સ્ટોર પર પથ્થરમારો કર્યો હતો. આ મેડિકલ સ્ટોર્સ રાજ્યના આરોગ્ય મંત્રીના મોટાભાઈનો હતો. આજે વેહલી સવારે અંબાજી બજાર સજ્જડ બંધ જોવા મળ્યું હતું. અંબાજીમાં આવેલી નાની-મોટી દુકાનો, ચા સ્ટોલ, લારી ગ્લલાઓ બંધ જોવા મળ્યા હતા. વેપારીઓએ અને ગ્રામજનોએ અંબાજી બંધને સમર્થન આપી પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા છે.