ગાંધીધામ-બેંગલુરું એકસપ્રેસમાં રાત્રે મહિલાના 11 લાખના દાગીના ચોરાયા
નખત્રાણાનો પરિવાર ઉંઘતો હતો ને ચોર કળા કરી ગયો
બેંગ્લોરથી ગાંધીધામ આવતી એકસપ્રેસ ટ્રેનમાં મોંઘા દાગીના સહિતના ચાર થેલા ચોરી જવાયાની ફરિયાદ થઈ છે.આ મામલે સાબરમતી પોલીસ દ્વારા ચોર ગઠિયાને પકડવા તજવીજ શરૂૂ કરવામાં આવી છે.
વધુ વિગતો એવી છે કે,કચ્છના નખત્રાણાના દિનેશભાઈ મનજીભાઈ પટેલ બેંગ્લોરમાં 20 વર્ષથી પ્લાયવુડ મેન્યુફેક્ચરિંગનું કામ કરે છે. દિનેશભાઈ અને પરિવારના સાત સભ્યો બેંગ્લોરથી ગાંધીધામ આવવા માટે ટ્રેનમાં નીકળ્યા હતા.
તા.19ના નીકળ્યા અને તા. 21ના સવારે ચાર કલાક સુધી રિઝર્ડ સીટ ઉપર પરિવાર મુસાફરી કરતો હતો. તા. 21ના સવારે 4 વાગ્યે દિનેશભાઈ જાગ્યા તો પરિવારના મહિલા સભ્યોના લટકાવેલાં ચાર લેડિઝ પર્સ અને હેન્ડ બેગ જોવા મળ્યાં નહોતાં.
મુસાફરના સ્વાંગમાં રહેલા ગઠિયા પરિવારની ઊંઘનો ગેરલાભ લઈ પાંચ ઘડિયાળ, રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ 10.49 લાખની મત્તા સાથેના ચાર પર્સ ચોરી ગયા હતા.
નડિયાદથી અમદાવાદના ચાંદલોડિયા રેલવે સ્ટેશન વચ્ચે હૂકમાં ભરાવેલી ચાર બેગ અને પર્સ ચોરી ગઠિયા ઉતરી ગયાં હતાં. આયોજનબધ્ધ રીતે ચોરી કરતાં ગઠિયાઓની ટોળકી સામે સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
----