ઉનામાં મહિલા પર ત્રણ શખ્સોનું સામૂહિક દુષ્કર્મ
ગીર સોમનાથના ઉના પંથકના દરિયાકાંઠાના એક નાનકડા ગામમાં માનવતાને શર્મસાર કરતી હૃદયદ્રાવક ઘટના ઘટી હોવાનું સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર પ્રસરી છે. આ ઘટનામાં એકલવાયુ જીવન જીવતી 50 વર્ષીય આધેડ મહિલા ઉપર ત્રણ જેટલા નરાધમોએ સામૂહિક દુષ્કર્મનું ઘૃણાસ્પદ કૃત્ય આચર્યુ હોવાની હચમચાવતી વિગતો સામે આવી છે. આ નરાધમોએ તમામ હદો પાર કરી હોય તેમ મહિલાના ગુપ્ત ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડેલ જેના લીધે પીડા ઉપડતા સારવાર અર્થે સરકારી હોસ્પીટલએ જતા સમગ્ર ઘટના સામે આવી હોવાનું જાણવા મળેલ છે. આ મામલે પોલીસે જઘન્ય કૃત્ય આચરનાર બે આરોપીઓની દરિયામાંથી ધરપકડ કરી છે. જ્યારે અન્ય એકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
માનવતાને શર્મસાર કરતી ઘટનાની પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ ઘટના સાત દિવસ પૂર્વે ઘટી હતી. જેમાં પંથકના એક ગામમાં એકલવાયું જીવન જીવતી 50 વર્ષીય આધેડ મહિલાની નિર્બળતાનો લાભ લઈ નરાધમોએ મહિલા ચાલીને જઈ રહેલ ત્યારે ફોસલાવીને બાઈકમાં બેસાડીને અવાવરૂૂ સ્થળએ લઈ જઈ ત્રણ-ત્રણ નરાધમોએ વારાફરતી નિર્દયતાથી ઘૃણાસ્પદ કૃત્ય આચર્યુ હતુ. જેના લીધે મહિલાને ગંભીર ઇજાઓ અને અસહ્ય પીડા ઉપડતા પોતાના ઘરમાં એકલી પડી રહી વેદના સહન કરતી રહી હતી. દરમ્યાન ગઈકાલે તેણીની તબિયત અત્યંત લથડતા સારવાર અર્થે હોસ્પીટલએ પહોંચતા હચમચાવતો સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો હતો.
મહિલાની પરિસ્થિતિ અંગે સરકારી હોસ્પીટલના તબીબે પોલીસને જાણ કરતાં ઉના પોલીસ ઈન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ રાણા સહિત પોલીસનો કાફલો હોસ્પિટલે દોડી આવ્યા હતો. મહિલાની હાલત ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ મહિલા પાસેથી સમગ્ર ઘટનાક્રમ જાણીને ચોકી ઉઠી હતી.
દુષ્કર્મની ઘટના બાદ ભાગી છૂટેલા આરોપીઓને પોલીસે નાટકીય રીતે દરિયામાંથી ઝડપી પાડ્યા છે. આરોપીઓ બોટમાં માછીમારીના બહાને દરિયામાં ફરાર થઈ ગયા હતા. જોકે, પોલીસની સમયસરની કાર્યવાહીથી નરાધમો વધુ દૂર ભાગી શકે તે પહેલા જ તેમને પકડી પાડવામાં આવ્યા છે.
પોલીસને આરોપીઓ બોટમાં ભાગી ગયાની માહિતી મળતાં તાત્કાલિક બોટના માલિકનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ, બોટમાં વાયરલેસ મેસેજ મોકલીને બોટને તુરંત કાંઠે પરત બોલાવવાની સૂચના આપવામાં આવી હતી. પોલીસે રાત્રિના સમયે દરિયામાં જઈને નરેન્દ્ર ઉર્ફે એકમનો કાળિયો દેવચંદ બારીયા (રહેવાસી નવાબંદર) સંજય ઉર્ફે કબલી ઉર્ફે કબૂતર દેવશીભાઈ મજેઠીયા (રહેવાસી નવાબંદર, મૂળ રહેવાસી કાળાપાણ) ધરપકડ કરી છે. હાલમાં, આ ગુનામાં સંડોવાયેલા ત્રીજા આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા સઘન શોધખોળ શરૂૂ કરવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને પગલે ઉનાનાં નાયબ મામલતદાર દ્વારા ભોગ બનનાર મહિલાનું મરણોત્તર નિવેદન (ડાઈંગ ડિક્લેરેશન) લેવાયું છે.