ભેસાણના માલીડા ગામે યુવકને આપઘાત માટે મજબૂર કરનાર પત્ની, સાળો અને સાસુ ઝડપાયા
જૂનાગઢના ભેસાણ તાલુકાના માલીડા ગામમાં પત્ની અને સાસરીયાના માનસિક ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લેનાર 35 વર્ષીય યુવક જયેશ ઉર્ફે જયલો પંચાસરાના કેસમાં ભેસાણ પોલીસે મૃતકની પત્ની, સાળા અને સાસુને ઝડપી પાડ્યા છે. યુવકે આપઘાત કરતા પહેલા બનાવેલા વીડિયોમાં પોતાની વ્યથા વ્યક્ત કરી હતી, જેના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતકના ભાઈ દિપક પંચાસરાની ફરિયાદના આધારે પોલીસે મૃતકની પત્ની શીલુબેન શંભુભાઈ જરવરીયા, સાળો નરેશ શંભુભાઈ જરવરીયા અને સાસુ કંચનબેન શંભુભાઈ જરવરીયા વિરુદ્ધ ગુનો નોંધીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે, ભેસાણ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો છે. માલીડા ગામના જયેશ પંચાસરાએ તેના જ ગામની શીલુબેન સાથે લગ્ન કર્યા હતા અને તેમને એક દીકરી પણ છે. છેલ્લા ચાર વર્ષથી પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતાં, જેના કારણે શીલુબેન રિસામણે રહેતા હતા. જયેશ તેની દીકરીને મળવા માંગતો હતો, પરંતુ તેની પત્ની શીલુબેન, સાળો નરેશ અને સાસુ કંચનબેન તેને મળવા દેતા નહોતા. આ ત્રણેય દ્વારા જયેશને અવારનવાર માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો.
પત્ની, સાળા અને સાસુ ત્રાસ આપે છે, તેવો વીડિયો બનાવ્યો હતો
ત્રાસથી કંટાળીને જયેશે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલા તેણે એક વીડિયો પણ બનાવ્યો હતો, જેમાં તેણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તે તેની પત્ની, સાળા અને સાસુના ત્રાસથી હેરાન હતો.